રાજ્ય સરકારે જેલમાં ખાદ્ય પદાર્થ વેચવાની છૂટ આપી

09 December, 2019 12:18 PM IST  |  Mumbai | Arita Sarkar

રાજ્ય સરકારે જેલમાં ખાદ્ય પદાર્થ વેચવાની છૂટ આપી

કેદીઓ હવે તેમનું મનપસંદ માંસાહારી ભોજનની પ્રી-ઓર્ડર પણ આપી શકે છે.

જેલમાં મળતી સુવિધા અને ભોજન માટે સતત ફરિયાદ કરતા જેલના કેદીઓ હવે જેલની કૅન્ટીનમાંથી તેમની પસંદગીની ખાદ્ય ચીજો ખરીદી શકશે. ૨૦૦૮ના વર્ષમાં મહારાષ્ટ્રમાં જેલમાં ખાદ્ય પદાર્થો તથા માંસાહારી ડિશના વેચાણ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં આવ્યો હતો, જે ગયા અઠવાડિયે રદ કરાતાં જેલવાસીઓ નાસ્તાની ચીજો તેમ જ માંસાહારી ડિશો ખરીદી શકશે. 

ભાયખલા જેલના સુપરિન્ટેન્ડન્ટ સદાનંદ ગાયકવાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે નાસ્તામાં જેલના કેદીઓને સમોસાં, ઇડલી અને શીરો મળશે તથા મહિનામાં એક વાર અગાઉથી ઑર્ડર આપીને તેઓ પનીર અને માંસાહારની ડિશો પણ મગાવી શકશે. ભાયખલા જેલમાં કેદીઓને સવારનો નાસ્તો ૭ વાગ્યે, બપોરનું ભોજન ૧૦ વાગ્યે અને સાંજનું ખાણું ૪ વાગ્યે આપવામાં આવે છે. નાસ્તો બપોરે ૧૨.૩૦ કે ૧ વાગ્યા સુધી મળી શકે છે જે કેદીઓ પોતાની પાસે રાત માટે રાખી શકે છે.

જેલમાં ઑર્ડરથી તૈયાર કરાવવામાં આવેલી ચીજો સામાન્ય દરે ઉપલબ્ધ કરાય છે, જે ખાદ્ય સામગ્રીમાં વપરાતા સામાનના બજારભાવના આધારે ઠરાવવામાં આવે છે. જેલના કેદીઓને જેલમાં કામ કરવા માટે મળતા પૈસા તેમ જ પરિવારના લોકોએ આપેલા પૈસામાંથી નાસ્તો ખરીદે છે.

જેલના કેદીઓ માટે તેમની સાથે રહીને કામ કરી ચૂકેલા ટીઆઇએસએસ ખાતે પ્રોફેસર અને પ્રયાસના પ્રોજેક્ટ-ડિરેક્ટર વિજય રાઘવને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સરકારનું આ પગલું ઘણું આવકાર્ય છે. લાંબા સમયથી કેદીઓ આની માગણી કરી રહ્યા હતા.

mumbai news mumbai