આદિત્ય ઠાકરેના નામે માતોશ્રીના સ્ટાફને છેતરનારો ટીનેજર ઝબ્બે

15 September, 2019 12:32 PM IST  |  મુંબઈ

આદિત્ય ઠાકરેના નામે માતોશ્રીના સ્ટાફને છેતરનારો ટીનેજર ઝબ્બે

આદિત્ય ઠાકરે

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે તહેનાત સ્ટાફ પાસેથી નાણાં પડાવવાની કોશિશ કરનારા ૧૯ વર્ષના ટીનેજરની ધરપકડ કરવામાં આવી છે. તેણે આદિત્ય ઠાકરે દ્વારા પાર્સલનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. સ્વર્ગીય સેનાસુપ્રીમો બાળ ઠાકરેનું નિવાસસ્થાન માતોશ્રી ભારે- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, આરોપી ધીરજ મોરે સમાન મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ભૂતકાળમાં ત્રણ વખત બંગલોના ગેટ પરના સ્ટાફને છેતરવામાં સફળ રહ્યો હતો.

અગાઉ ડિલિવરી બૉય તરીકે કામ કરનાર મોરે સેન્ટ્રલ મુંબઈમાં પરેલનો રહેવાસી છે. ભૂતકાળમાં સમાન પ્રકારના ગુના બદલ તે પકડાયો હતો અને તાજેતરમાં જ જેલમાંથી છોડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે માતોશ્રી ખાતેની સુરક્ષા વધુ ચુસ્ત કરી દેવાઈ છે.

ડીસીપી (ઝોન ૮) મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું કે, મોરેએ ત્રણ વખત સ્ટાફ સાથે ઓછામાં ઓછા ૮૫૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેણે હેડફોન, ટેક્સ્ટ-બુક અને કમ્પ્યુટર માઇકની ડિલિવરી આપીને દાવો કર્યો હતો કે ‘આદિત્યએ આ ચીજો ઑનલાઇન મગાવી હતી’ જે નર્યું જુઠ્ઠાણું હતું.

આ પણ વાંચો : આઈઆઈટી બોમ્બેના હોસ્ટેલ રૂમમાં ઘૂસી ગઈ ગાય, ફોટો વાઈરલ

પરંતુ જ્યારે માતોશ્રીના સિક્યૉરિટી ગાર્ડ્ઝે ગુરુવારે તેની અટકાયત કરી ત્યારે તેના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે મોરેએ આ ચીજોની મૂળ કિંમતોને વધારી દીધી હતી.

ચોથી વખત સ્ટાફનો એક સભ્ય બંગલાની અંદર આદિત્ય પાસે એ તપાસવા ગયો કે તેમણે કશો ઓર્ડર આપ્યો હતો કે કેમ. આદિત્યએ નકારમાં જવાબ આપ્યો. આ દરમ્યાન પકડાઈ જવાની બીકે મોરેએ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો, પણ સિક્યૉરિટી ગાર્ડ્ઝે તેને ઝડપી લીધો અને ખેરવાડી પોલીસને સોંપ્યો, અેમ ડીસીપીએ જણાવ્યું હતું.

aaditya thackeray mumbai news