વગર દસ્તાવેજે માત્ર ૧૦૦૦ રૂપિયામાં મળે છે આધાર કાર્ડ

14 January, 2020 10:41 AM IST  |  Mumbai | divakar sharma

વગર દસ્તાવેજે માત્ર ૧૦૦૦ રૂપિયામાં મળે છે આધાર કાર્ડ

આધાર કાર્ડ બનાવતી સોનાવણેની દુકાન.

સરકાર દ્વારા આધાર કાર્ડ બનાવવામાં ઘાલમેલ ન થાય એ માટે પ્રયાસ થઈ રહ્યા છે અને હવે આધાર કાર્ડ માત્ર સરકારી કાર્યાલયો, નેશનલાઇઝ્ડ બૅન્કો, પોસ્ટ ઑફિસ, એમટીએનએલ અને બીએસએનએલમાં જ બની રહ્યા છે ત્યારે થાણેના માનપાડામાં ‘બાબા આધાર સેન્ટર’ ચલાવતા અનિલ સોનાવણે પૈસા લઈ આધાર કાર્ડ બનાવી આપે છે એટલું જ નહીં, એ માટેના કોઈ દસ્તાવેજ ન હોય તો પણ આધાર કાર્ડ બનાવવામાં તેને કોઈ મુશ્કેલી પડતી નથી.

યોગ્ય ડોક્યુમેન્ટ વગર આધાર કાર્ડ બનાવી આપતો અનિલ સોનાવણે.

માનપાડામાં આવેલી થાણે મહાનગરપાલિકાની બ્રાન્ચ ઑફિસ-નંબર ૭થી ૧૦૦ મીટર દૂર આવેલા બાબા આધાર સેન્ટરમાં તેના માલિક અનિલ સોનાવણે આધાર કાર્ડમાં મોબાઇલ-નંબર અપડેટ કરવાના ૩૦૦થી ૪૦૦ અને ઍડ્રેસ ચેન્જ કરવાના ૫૦૦ રૂપિયા લે છે. જોકે ઍડ્રેસ પ્રૂફ તરીકે જે સરનામું જોઈતું હોય એ લખાવેલું એફિડેવિટ નોટોરાઇઝ કરીને આપતા ૫૦૦ રૂપિયામાં ઍડ્રેસ ચેન્જ થઈ જાય છે અને જો ૧૦૦૦ રૂપિયા આપો તો એ દસ્તાવેજો પણ પોતે મૅનેજ કરી સ્માર્ટ કાર્ડવાળું આધાર કાર્ડ અને પેપરવાળું આધાર કાર્ડ બન્ને આપે છે. ‘મિડ-ડે’ દ્વારા કરાયેલા સ્ટિંગ ઑપરેશનમાં અનિલ સોનાવણેએ ચોખ્ખું કહ્યું હતું કે ‘સાહેબ, આ રીતે આધાર કાર્ડ બનાવવા માટે ખાસ મશીન વાપરવું પડે છે. વળી મેં બે કર્મચારી રાખ્યા છે જેમને દરેકને હું રૂપિયા ૧૨,૦૦૦ પગાર આપું છું. એ ઉપરાંત દુકાનનું ભાડું ૧૫,૦૦૦ ચૂકવું છે. એથી આધાર કાર્ડ બનાવવા જે પૈસા લઉં છું એ કાંઈ વધારે ન કહેવાય.’
થાણેમાં અન્ય જગ્યાએ પણ આ રીતે આધાર કાર્ડ બનાવીને મ‍ળે છે.

mumbai thane crime thane Crime News