મીરા રોડમાં લગ્નમાં લાઇવ ચોરીનો બનાવ રેકૉર્ડ થયો

23 November, 2019 12:26 PM IST  |  Mumbai Desk | priti khuman thakur

મીરા રોડમાં લગ્નમાં લાઇવ ચોરીનો બનાવ રેકૉર્ડ થયો

મીરા રોડમાં ચોરનો આતંક વધી રહ્યો છે. દુકાનનાં તાળાં તોડીને ચોરી કરવાની પદ્ધતિમાં હવે ચોરોએ પોતાની મોડસ ઑપરેન્ડી બદલી હોવાનું ગઈ કાલે એક લગ્ન સમારંભમાં થયેલી ચોરી પરથી જણાયું છે. વસઈથી મીરા રોડમાં લગ્ન કરવા આવેલાં વર-વધૂનાં લાખો રૂપિયાનાં ઘરેણાં અને રોકડ રૂપિયા અજાણ્યો ચોર તફડાવીને કરીને પોબારા ભણી ગયો હતો. ચોરીની લાઇવ ઘટના લગ્નમાં જોડાયેલા એક જાનૈયા દ્વારા મોબાઇલથી લગ્નનું રેકૉર્ડિંગ કરતી વખતે રેકૉર્ડ થઈ ગઈ હતી. આ રેકૉર્ડિંગમાં ચોર સ્ટેજ પર ડાબી બાજુએથી બૅગ ઉપાડીને કપડા વડે ઢાંકીને જતો રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. જોકે ત્યાં લગાડેલા સીસીટીવી કૅમેરા બંધ હોવાનું પણ સામે આવ્યું છે. ચોરી વિશે જાણકારી મળતાં પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં મીરા રોડની ત્રણ દુકાનનાં તાળાં એકસાથે તૂટ્યાં હોવાની ઘટના બની હતી ત્યારે હવે ચોરો લગ્નપ્રસંગ જેવી જગ્યાએથી ચોરી કરવામાં પણ પાછળ રહ્યા નથી.

આ બનાવ વિશે નયાનગર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ‘વસઈના આચોલે રોડ પરના રહેવાસી દીપક બલવંત સિંઘ તેમના નાના ભાઈ ચંદન સિંઘનાં લગ્ન માટે મીરા રોડ આવ્યા હતા. દીપક સિંઘે લગ્ન માટે મીરા રોડનો હૉલ બુક કરાવ્યો હતો. સવારથી બન્ને પક્ષના જાનૈયાઓ હૉલમાં આવ્યા હતા અને નક્કી થયું એ અનુસાર બધા કાર્યક્રમો થઈ રહ્યા હતા. રાતે આઠ વાગ્યે રિસેપ્શનની શરૂઆત થઈ હતી. લગ્નમાં જોડાયેલા લોકો સ્ટેજ પર આવીને દુલ્હન લક્ષ્મી રાવત અને દુલ્હા ચંદન સિંઘને ભેટ અને આશીર્વાદ આપી રહ્યા હતા. એ વખતે દુલ્હા-દુલ્હન સાથે દુલ્હાની મમ્મી નંદીદેવી અને અમુક સંબંધીઓ સ્ટેજ પર હતાં. દુલ્હનના બધા દાગીના અને રોકડ રકમ નંદીદેવીએ પોતાની પાસે રાખેલી એક બ્રાઉન બૅગમાં રાખ્યાં હતાં. રાતે ૯ વાગ્યે જ્યારે સ્ટેજ પર બધાં સગાંસંબંધીઓ ગ્રુપ-ફોટો લેવા માટે સ્ટેજ પર આવ્યાં ત્યારે નંદીદેવીએ ફોટોમાં જોડાવા માટે પોતાની પાસેની બૅગ સ્ટેજ પરના સોફા પર રાખીને દુલ્હા-દુલ્હન સાથે ઊભી રહી ગઈ હતી. ગ્રુપ-ફોટો લેતાં બધા મજાક-મસ્તી કરી રહ્યા હતા એનો લાગ ઉઠાવીને સ્ટેજ પર પહેલાંથી જ હાજર એક અજાણ્યો યુવક ૩ લાખ ૯૩ હજાર રૂપિયાના દાગીના અને રોકક રૂપિયા ભરેલી બૅગ લઈને જતો રહ્યો હતો. જોકે એ વખતે એક જાનૈયો તેના મોબાઇલથી રિસેપ્શનું શૂટિંગ લઈ રહ્યો હતો અને એ વખતે ચોરીની આ લાઇવ ઘટના એમાં રેકૉર્ડ થઈ ગઈ હતી. એ વખતે જોકે તેને એના પર ખાસ ધ્યાન નહોતું ગયું, પરંતુ પછીથી રેકૉર્ડિંગ ચેક કરતાં લાઇવ ઘટના કેદ થયેલી જોવા મળતાં બધા આઘાત પામ્યા હતા.’

Crime News mira road mumbai crime news mumbai