વિરારના સ્વામીનારાયણ મંદિરમાં ચોર ત્રાટક્યા

22 September, 2019 02:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

વિરારના સ્વામીનારાયણ મંદિરમાં ચોર ત્રાટક્યા

સ્વામીનારાયણ મંદિર

મુંબઈઃ (‌મિડ-ડે પ્ર‌તિ‌‌નિ‌‌‌ધિ) વિરાર-વેસ્ટમાં સરસ્વતી બાગમાં આવેલી સરસ્વતી ગુજરાતી હાઈ સ્કૂલની બાજુમાં લગભગ નવ વર્ષ જૂના બીએપીએસ સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિરમાં શુક્રવારે રાતે અઢીથી સાડાત્રણ વાગ્યા વચ્ચે ચોરો ઘૂસી ગયા હતા. મંદિરમાં ભગવાનની પંચધાતુની મૂર્તિ સહિત મંદિરમાં પીળા રંગની જે પણ વસ્તુઓ મળી એ સોનું સમજીને ચોરો લઈ ગયા હતા. એ ઉપરાંત મંદિરમાં ફિક્સ કરીને રાખેલી દાનપેટી પણ લઈ ગયા હતા. ગઈ કાલે સવારે મંદિરના પૂજારી આવ્યા ત્યારે તેમનું આના પર ધ્યાન ગયું હતું. આ ચોરી વિશે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરી વિશે માહિતી આપતાં મંદિર સાથે જોડાયેલા વિરારમાં રહેતા કુલદીપ રાણાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મંદિરમાં પાછળના ભાગમાં એક દરવાજો છે. કોઈક કાર્યક્રમ હોય ત્યારે મહિલાઓની એન્ટ્રી માટે એ દરવાજો ખોલવામાં આવે છે અને ફરી એ બંધ કરી દેવામાં આવે છે. આ પાછળના દરવાજામાં કાણું પાડીને દરવાજો ખોલીને ચોર અંદર ગયા હતા. દરવાજો ખોલીને ચોરો મંદિરમાં રહેલી પાંચ ઇંચની હરિકૃષ્ણ મહારાજની પંચધાતુની મૂર્તિ અને બિંબ સાથે ફિક્સ કરેલી આખી દાનપેટી ઉપાડી ગયા હતા. દાનપેટીને બે મહિના પહેલાં જ ખોલવામાં આવી હતી એથી એમાં ૪૫,૦૦૦ રૂપિયાની આસપાસની રકમ હોવાની શક્યતા છે. ઉપરાંત ડ્રૉઅરમાં રહેલી ભગવાનની વસ્તુઓમાંથી પીળા રંગની પાંચ આરતી ચોરી ગયા છે. ચોરોને મંદિરમાં જે પીળા રંગનું દેખાયું એ તેઓ ચોરી ગયા છે. પૂજારી મંદિરમાં આવ્યા ત્યારે ચોરી વિશે જાણ થઈ હતી. અમે તપાસ કરી ત્યારે મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ચોરોએ તેમની નકામી વસ્તુઓ ગૂણીમાં ભરીને નાખી દીધી હતી; જેમાં વાયર, સ્ક્રૂ-ડ્રાઇવર, હથોડી જેવી વસ્તુઓ હતી. મંદિરમાં લગાડેલા સીસીટીવી કૅમેરાની હાર્ડ કિસ્ક કરપ્ટ થઈ ગઈ હોવાથી બૅક-અપ મળ્યું નથી. અમે પોલીસમાં આ વિશે ફરિયાદ નોંધાવી છે. ચોરો જલદીથી પકડાય એવી આશા છે, કારણ કે આ રીતે ચોરી થતાં ભક્તો નિરાશ થયા હતા.’

virar mumbai Crime News