દુર્લભ પક્ષી છે કે પછી પ્રદૂષણનો શિકાર?

10 February, 2020 12:36 PM IST  |  Mumbai Desk | Ranjeet Jadhav

દુર્લભ પક્ષી છે કે પછી પ્રદૂષણનો શિકાર?

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હાલમાં ફ્લેમિંગોનાં ટોળેટોળાં ઊતરી આવ્યાં છે જેમાંથી એક ફ્લેમિંગો બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુંબઈના એક પક્ષીપ્રેમીએ પીંછા પર સહેજ કાળા ડાઘવાળું ફ્લેમિંગો પક્ષી નવી મુંબઈની આસપાસના વિસ્તારમાં જોવા મળ્યું હોવાનો દાવો કર્યો છે જે પક્ષીપ્રેમીઓના મતે કઈક વિશેષ હટકે છે.

પક્ષીપ્રેમીઓમાં આ ફ્લેમિંગોનો ફોટો વાઇરલ થયો છે. જોકે આ કાળા ડાઘ વિશે પક્ષીપ્રેમીઓમાં ભિન્ન-ભિન્ન મત પ્રવર્તે છે. કેટલાકના મતે આ કાળો ડાઘ છે જે આંશિક રીતે તેની પાંખ પર જોવા મળી રહ્યો છે, જ્યારે કે અન્યોના મતે દરિયાના પાણીમાં ઢોળાયેલા ઑઇલને કારણે ફ્લોમિંગોની પાંખ પર કાળો ડાઘ જોવા મળી રહ્યો છે.

કાળા ડાઘવાળા ફ્લેમિંગો વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં પક્ષીપ્રેમી સુદર્શન કેલકાકરે કહ્યું હતું કે ‘મેં લગભગ એકાદ અઠવાડિયા પહેલાં નવી મુંબઈ પાસે કાળા ડાઘવાળું ફ્લેમિંગો જોયું હતું. અનેક લોકોએ મારી પાસે આ પક્ષી ક્યાં જોવા મળ્યું એની વિગતો પૂછી હતી, પરંતુ વેકેશન મનાવવા આવેલાં પક્ષીઓને જો ખલેલ પહોંચાડવામાં આવે તો તેઓ એ સ્થળે પાછા આવતાં ન હોવાની મને જાણકારી હોવાથી મેં કોઈને એનું સ્થળ જાહેર કર્યું નહોતું. ભૂતકાળમાં વસઈમાં આ પ્રકારે પક્ષીઓને ખલેલ પહોંચાડતાં તેઓએ સ્થળ છોડી દીધાનો બનાવ મને યાદ છે.’

અન્ય એક પક્ષીપ્રેમી અને પર્યાવરણવિદ્ અવિનાશ ભગતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે પક્ષીની પાંખ પર જોવા મળેલા કાળા ડાઘ પાછળનું કારણ જ્યાં સુધી એ પકડાઈ ન જાય ત્યાં સુધી જાણવું મુશ્કેલ છે.

navi mumbai mumbai news national news ranjeet jadhav