09 March, 2026 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક તાલ અને એક સૂરે એકસાથે ૯૧૧૧ વિદ્યાર્થિનીઓનો લેઝીમ-પર્ફોર્મન્સ.
ડોમ્બિવલીમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓએ લેઝીમના તાલે વિશ્વવિક્રમ સર્જીને ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેની યાદગાર ઉજવણી કરી હતી. ફિઝિકલ ટ્રેઇનિંગ (PT) ટીચર્સના માર્ગદર્શન હેઠળ ડોમ્બિવલી અને કલ્યાણ જિલ્લાની સ્કૂલોની ૯૧૧૧ વિદ્યાર્થિનીઓએ એકસાથે સાડાપાંચ મિનિટ સુધી ઢોલ સાથે એક તાલે લેઝીમ-પર્ફોર્મન્સ કરીને સામૂહિક લેઝીમ-પર્ફોર્મન્સ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્ટેટ પ્રેસિડન્ટ અને વિધાનસભ્ય રવીન્દ્ર ચવ્હાણ દ્વારા સંચાલિત સંસ્થા ડોમ્બિવલીકરના ઉપક્રમે રવિવારે સવારે આઠ વાગ્યે ડોમ્બિવલીના સંત સાવળારામ મહારાજ મ્હાત્રે ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બે મહિનાની પ્રૅક્ટિસ બાદ ગઈ કાલે ૯૮૦૦ વિદ્યાર્થિનીઓએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો, જેમાંથી ૯૧૧૧ પાર્ટિસિપન્ટ્સનો પર્ફોર્મન્સ માન્ય રાખીને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આ ઇવેન્ટનું નામ નોંધવામાં આવ્યું હતું.
અગાઉ આ રેકૉર્ડ સાંગલીમાં ૭૩૩૮ પાર્ટિસિપન્ટ્સ સાથે નોંધાયો હતો. લંડનથી આવેલા અધિકારી સ્વપ્નિલ ડાંગરેકરે રવીન્દ્ર ચવ્હાણ અને તેમનાં પત્ની સુહાસિની ચવ્હાણને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનું સર્ટિફિકેટ અને મેડલ એનાયત કર્યાં હતાં. લેઝીમને પ્રાચીન પરંપરા ગણાવીને આ વિશ્વવિક્રમ ભારત માતાને સમર્પિત કર્યો હોવાનું રવીન્દ્ર ચવ્હાણે આ પ્રસંગે જણાવ્યું હતું.