સ્કૂલબસમાં માસૂમના મૃત્યુને લઈ અનેક સવાલ

25 November, 2011 08:55 AM IST  | 

સ્કૂલબસમાં માસૂમના મૃત્યુને લઈ અનેક સવાલ



બુધવારે સાયનમાં સ્કૂલબસની અંદર બેસેલા નવ વર્ષના વિરાજ પરમારના અપમૃત્યુને કારણે સ્કૂલની ઑથોરિટી સામે અનેક સવાલો ઊભા થયા છે જેના હજી જવાબ નથી મળ્યા. સામા પક્ષે વિરાજના પેરન્ટ્સે દાવો કર્યો છે કે બસની ફી સ્કૂલના ઍડ્મિનિસ્ટ્રેશનને ભરવામાં આવતી હતી. જોકે સ્કૂલના સત્તાધીશોએ એવી વળતી સ્પષ્ટતા કરી છે કે જો સ્કૂલના પરિસરમાં કંઈ થાય તો જ જવાબદારી સ્કૂલની ઑથોરિટીની છે.

વિરાજ પરમાર સાયનની શ્રી વલ્લભ આશ્રમ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતો હતો. બુધવારે ઘરે જતી વખતે ફ્રેન્ડને ગુડ બાય કહેવા તેણે બારીની બહાર માથું કાઢ્યું ત્યારે માથું હોર્ડિંગ સાથે અથડાતાં જીવલેણ ઈજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

અકસ્માતમાં આ રીતે નાનકડા છોકરાના મૃત્યુના સમાચાર સાંભળીને સાયનના યુવા સેનાના સભ્યોએ સ્કૂલમાં દાખલ થઈને બુધવારે થયેલી ઘટનાનો જવાબ લેવા સ્કૂલના પરિસરમાં ટેબલ થપથપાવ્યાં હતાં. જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા પછી પરિસ્થિતિ સામાન્ય બની હતી. સાયન પોલીસે આ ઘટનામાં યુવા સેનાના ચાર સભ્યોની ધરપકડ કરી છે અને તેમની તપાસ ચાલી રહી છે. ગઈ કાલે સ્કૂલ બંધ રાખવામાં આવી હતી અને બીજી કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સ્કૂલના પરિસર પાસે પોલીસ સિક્યૉરિટી રાખવામાં આવી હતી.