03 August, 2026 07:28 AM IST | Mumbai | Alpa Nirmal
પેહેર સતરા
પેહેર સતરા અને તેની મમ્મી ઉષ્મા ટાન્ઝાનિયાના ટૉલેસ્ટ પહાડ કિલિમાન્જારોના ૫૭૫૬ મીટર ઊંચા સ્ટેલા પૉઇન્ટ પહોંચ્યાં, પપ્પા જિગરે આ પર્વતની સૌથી હાઇએસ્ટ ૫૮૯૫ મીટરની ઉહરુ પીક સર કરી અને ૬૨ વર્ષના નાના આ પહાડના બેઝ-પૉઇન્ટ સુધી ચડ્યા. આ લિટલ ચૅમ્પિયને ગયા વર્ષે એવરેસ્ટ બેઝ-કૅમ્પનું આરોહણ પણ કર્યું છે
અમારા બાળકને મોબાઇલ, આઇપૅડ અને ટીવી વગર ચાલે જ નહીં એવું કહેનારાં મમ્મી-પપ્પા માટે પરેલમાં રહેતી પેહેર સતરાએ કરેલું પરાક્રમ એવું ઉદાહરણ છે જે સાબિત કરે છે કે જો બાળકને યોગ્ય ઉમરે સ્માર્ટ ગૅજેટ્સથી દૂર રાખો તો તે અનન્ય સિદ્ધિ મેળવી શકે છે.
માટુંગાની ડૉન બૉસ્કો સ્કૂલના ત્રીજા ધોરણમાં ભણતી પેહેર સતરાએ આફ્રિકા ખંડનો, ટાન્ઝાનિયા દેશનો અને એક્સ્ટ્રીમ હાઈ ઍલ્ટિટ્યુડ ધરાવતા માઉન્ટ કિલિમાન્જારોનો સ્ટેલા પૉઇન્ટ સર કર્યો છે. ઍક્ચ્યુઅલી ૧૮,૮૮૫ ફુટની ઊંચાઈએ આવેલો આ પૉઇન્ટ પણ કિલિમાન્જારો પર્વતના ૩ ઑફિશ્યલ સમિટ પૉઇન્ટમાંનો એક છે અને ટાન્ઝાનિયાની સરકાર અહીં સુધી ચડનારને પણ ક્લાઇમ્બિંગ કિલિમાન્જારો સમિટ સર્ટિફિકેટ આપે જ છે.
માત્ર ૭ વર્ષની ઉંમરે પેહેરે ૧૭,૫૯૮ ફુટ પર આવેલા એવરેસ્ટ બેઝ-કૅમ્પનું સફળ ચડાણ કર્યું છે.
પેહેરનાં મમ્મી CA ઉષ્મા સતરા દીકરીની આ સિદ્ધિ વિશે ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા હસબન્ડ જિગરને નાનપણથી ટ્રેકિંગનો ખૂબ શોખ હતો. તેઓ ભણતા હતા ત્યારે તેમણે હિમાલયના અનેક ટ્રેક્સ કર્યા છે. એ સાથે તિબેટનો ૬૧૦૦ મીટર ઊંચું લોપુચે પીક પણ સર કર્યું છે. લગ્ન પછી મને પણ તેમની સાથે પર્વતારોહણનો નાદ લાગ્યો અને અમે સાથે લદ્દાખની ઝાંસ્કર નદીના થીજીને બરફ થઈ જતા પાણી પર થતા ચાદર ટ્રેક સહિત અનેક વખત પર્વતોનું આરોહણ કર્યું છે. પેહેરના જન્મ બાદ તે ૩ વર્ષની હતી ત્યારથી અમે તેને અમારી સાથે સહ્યાદ્રિનાં નાનાં-મોટાં એક્સપિડિશન પર લઈ જતાં અને તે સહેલાઈથી ક્લાઇમ્બ કરતી. એ પછી સ્કૂલમાં તેને સ્પોર્ટ્સ અને ફિટનેસ ઍક્ટિવિટી પણ બહુ ગમવા લાગી. તે પાંચ વર્ષની હતી ત્યારથી બૅડ્મિન્ટન રમે છે અને એની ટ્રેઇનિંગ પણ લે છે. હમણાં જ તે ગ્રેટર મુંબઈ ડિસ્ટ્રિક્ટ લેવલની અન્ડર ઇલેવનની કૉમ્પિટિશનમાં રનર-અપ આવી છે.’
પેરન્ટ્સ અને નાનાજી સાથે બાળપર્વતારોહક પેહેર સતરા.
પ્રિન્ટિંગનો વ્યવસાય કરતા પેહેરના પપ્પા જિગર કહે છે, ‘અમારે પેહેરને દેખાદેખીના પીઅર પ્રેશરમાં નહોતી નાખવી. તેને શીખવવું હતું કે રિયલ હૅપીનેસ શું છે. કુદરત પ્રત્યેનો પ્રેમ તો તેને જિનેટિકલી મળ્યો છે. મારી વાઇફને બર્ડ-વૉચિંગનો ખૂબ શોખ છે. તે પક્ષીઓ તથા વાઇલ્ડલાઇફની સુંદર ફોટોગ્રાફી કરે છે એટલે અમે તેને માઉન્ટેનિયરિંગના ફીલ્ડમાં પ્રોત્સાહન આપ્યું.’
કિલિમાન્જારોનો સ્ટેલા પૉઇન્ટ ઉહરુ પીકથી માત્ર ૧૦૦ મીટર જ દૂર હતો અને પેહેર સ્ટેલા સુધી બહુ સરળતાથી ચડી ગઈ, પરંતુ આ ચડાણમાં તેનાં મોજાં ભીનાં થઈ ગયાં એટલે તેને ઠંડી લાગવા લાગી. ઉષ્મા કહે છે, ‘હું, જિગર અને પેહેર સાથે જ ચડી રહ્યાં હતાં. અમે કદાચ તેને પુશ કર્યું હોત તો તે ઉહરુ પૉઇન્ટ સુધી પહોંચી ગઈ હોત, પણ અમને થયું કે આ પ્રોત્સાહન તેના માઇન્ડમાં પ્રેશર બનીને માઉન્ટન વિશે કંઈ નેગેટિવ ઇમ્પૅક્ટ ન લાવી દે. એટલે અમે પ્રયત્ન ન કર્યો. તેને કંપની આપવા હું તેની સાથે રહી અને જિગર ઉહરુ પીક સુધી ગયા. બાકી આખું એક્સપિડિશન તેણે હસતાં-રમતાં કર્યું. ઇન ફૅક્ટ, અહીં ઑક્સિજનની ભારે કમી રહે છે, પણ પેહેરને કોઈ પ્રૉબ્લેમ ન થયો. બૅડ્મિન્ટનની દરરોજની ચાર-પાંચ કલાકની પ્રૅક્ટિસ તથા ફિટનેસ ક્લાસિસ, અન્ય ગ્રુપ-સ્પોર્ટ્સને કારણે તેનું શરીર કેળવાયેલું હતું જે આરોહણમાં મદદરૂપ થયું.’
થ્રી જનરેશન ટુગેધર
કિલિમાન્જારોના આરોહણમાં ઉષ્માના ફાધર ૬૨ વર્ષના ધીરજ સતરા પણ તેમની સાથે ગયા હતા. વ્યવસાયમાં બિઝી ધીરજભાઈને પણ પર્વતારોહણનો શોખ હતો, પરંતુ વ્યસ્તતાને કારણે જઈ નહોતા શકતા. દીકરી-જમાઈ તથા દોહિત્રીની સાથે જવાનો તેમને ચાન્સ મળ્યો અને ધીરજભાઈએ એ તક ઝડપી લીધી. જોકે તેઓ ૫૧૦૦ મીટરની ઊંચાઈએ આવેલા કિલિમાન્જારોના બેઝ-કૅમ્પ સુધી જ ટ્રેક કરી શક્યા હતા.