વૉચમૅનની બદલાયેલી લાઇફસ્ટાઇલે ૨.૮૨ કરોડની લૂંટનો ભેદ ઉકેલ્યો

27 November, 2012 05:49 AM IST  | 

વૉચમૅનની બદલાયેલી લાઇફસ્ટાઇલે ૨.૮૨ કરોડની લૂંટનો ભેદ ઉકેલ્યો



અંધેરી (ઈસ્ટ)ના સીપ્ઝ વિસ્તારમાં ૨૭ સપ્ટેમ્બરે અને ૨૬ ઑક્ટોબરે એક્સપોર્ટ થતા ૨,૮૨,૫૩,૨૮૫ રૂપિયાની કિંમતના સોના અને હીરાના દાગીનાની લૂંટના કેસમાં એમઆઇડીસી પોલીસે એક મહિના સુધી તપાસ હાથ ધરી હતી, પણ આ કેસના મુખ્ય સૂત્રધાર આરોપીની લાઇફસ્ટાઇલમાં આવેલા ફેરફારને લીધે આ લૂંટકેસમાં કુલ ૯ યુવકો ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી પોલીસે ૯૯,૬૦,૬૦૦ રૂપિયાના સોના અને હીરાના દાગીના તથા ત્રણ મોટરસાઇકલ તેમ જ મોબાઇલો હસ્તગત કર્યા હતા. આ ગૅન્ગના માસ્ટરમાઇન્ડ રાહુલ રૉય તથા ગૅન્ગના મેમ્બર સુરેશ યાદવને હાલમાં પોલીસ શોધી રહી છે.

ઝોન-૧૦ના ડેપ્યુટી પોલીસ-કમિશનર છેરિંગ દોરજેએ કહ્યું હતું કે ‘સીપ્ઝ વિસ્તારથી એક્સપોર્ટ કરવામાં આવતા સોના અને હીરાના દાગીનાને હૉલમાર્ક કરાવવા લઈ જતા યુવક અને કુરિયર-બૉય પર આ ગૅન્ગના મેમ્બરોએ એક મહિના સુધી નજર રાખી હતી. રોજ લાખો રૂપિયાનો માલ આ રીતે સીપ્ઝમાંથી એક્સર્પોટ થતો હોવાથી આ ગૅન્ગે તેમને ટાર્ગેટ બનાવ્યા હતા. લૂંટ કરતી વખતે આ ગૅન્ગના ત્રણ મેમ્બર સુધીર, સૂરજ અને વિજય મોટરસાઇકલ પર દાગીના લઈ જતા કુરિયર-બૉયનો પીછો કરતા હતા અને તેને રોકીને ચાકુની ધાકે તેમની પાસેના દાગીના લૂંટીને નાસી જતા હતા. લૂંટ કરતી વખતે આ ગૅન્ગના અન્ય બે સાથીદાર દોઢ કિલોમીટર દૂર સતત ફોન પર સુધીર, સૂરજ અને વિજયને પોલીસ-બંદોબસ્તની જાણ કરવા સંપર્કમાં રહેતા હતા અને જ્યારે અન્ય મેમ્બર ટૅક્સી કે રિક્ષામાં લૂંટનો માલ લઈ જવા માટે રિક્ષા કે ટૅક્સી પાર્ક કરીને ઊભા રહેતા હતા. આ રીતે આ ગૅન્ગે બે લૂંટ ચલાવીને પોણાત્રણ કરોડ રૂપિયા મતાની લૂંટ ચલાવી હતી. આ ગૅન્ગે અગાઉ ૨૦ જુલાઈએ સાનપાડા રેલવે-સ્ટેશન પાસેથી એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું અપહરણ કરીને તેને નાલાસોપારામાં એક રૂમમાં ગોંધી રાખ્યો હતો અને ચાકુની ધાકે તેની પાસેથી લૅપટૉપ, મોબાઇલ ફોન તથા તેના એટીએમ કાર્ડમાંથી ૪,૧૬,૦૦૦ રૂપિયા કાઢી લીધા હતા. એ જ રીતે સાનપાડાના જુહીનગર વિસ્તારમાં પણ આ ગૅન્ગે એક મોટા ગુજરાતી બિલ્ડરને તેની કારમાં અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો, પણ આ ગૅન્ગના કબજામાંથી તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ હુજબંદે કહ્યું હતું કે ‘આરોપીઓને શોધી કાઢવા અમે એક મહિનાના સર્ચ ઑપરેશનમાં સીપ્ઝ વિસ્તારના સોના અને હીરા કંપનીના કર્મચારીઓ સાથે પૂછપરછ કરી ત્યારે તેમની જ કંપનીનો ૨૬ વર્ષના ભૂતપૂર્વ સિક્યૉરિટી ગાર્ડ યોગેન્દ્ર રમાકાંત સિંહની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ હોવાની અમને જાણ થઈ હતી. યોગેન્દ્રે મોંઘી મોટરબાઇક ખરીદી હતી અને તે રોજ મોંઘાં કપડાં તથા સોનાના દાગીના પહેરીને ફરતો હતો. જોકે સિક્યૉરિટી ગાર્ડનું કામ કરતા યોગેન્દ્રની લાઇફસ્ટાઇલમાં ફેરફાર થતાં અમે તેની પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પહેલી ઘટના

૨૭ સપ્ટેમ્બરે બપોરે દોઢ વાગ્યે અંધેરીના સીપ્ઝ વિસ્તારમાં સોના-હીરાના દાગીના મોટરસાઇકલ પર લઈ જતા ૨૫ વર્ષના ગોપાલ રૉયને ત્રણ યુવકોએ રોક્યો હતો અને ચાકુની ધાકે તેની પાસેથી ૧,૦૦,૨૨,૯૬૪ રૂપિયાના દાગીના લૂંટીને નાસી ગયા હતા.

બીજી ઘટના

૨૬ ઑક્ટોબરે સાંજે ૭.૩૦ વાગ્યે ઍર પાર્સલ કંપનીનો ડિલિવરી-બૉય દુર્ગેશ તિવારી અંધેરી (ઈસ્ટ)ના મહાકાલી રોડથી મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યો હતો એ વખતે ત્રણ યુવકોએ તેને ચાકુની ધાકે રોકી તેની પાસેથી ૧,૮૨,૩૦,૩૨૧ રૂપિયાના સોના-હીરાના દાગીના લૂંટી લીધા હતા.

પોલીસ શું કહે છે?


સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ હુજબંદે આ બનાવ પ્રકરણે એમ પણ કહ્યું હતું કે ‘લૂંટ કર્યા બાદ આરોપી સુધીર, સૂરજ અને વિજય આ લૂંટનો માલ ત્રણ અલગ-અલગ બૅગમાં ભરી લેતા હતા અને ત્રણે એક-એક બૅગ લઈને ત્યાંથી નાસી જતા હતા. જોકે આ લૂંટનો માલ ગૅન્ગના મુખ્ય મેમ્બર સુધી પહોંચતો ત્યારે તેને ત્રણની જગ્યાએ ફક્ત બે જ બૅગ મળતી હતી. વિજય તેની જ ગૅન્ગ સાથે છેતરપિંડી કરી તેના બે સાથીદાર સૂરજ અને વિજયને સોના-દાગીના વહેંચી દેતો હતો. જોકે આરોપીઓએ ઘણા દાગીના પીગળાવીને વેચી માર્યા હતા.’