21 May, 2024 07:36 AM IST | Mumbai | Bakulesh Trivedi
સરોજ મહેતા
કોરોના વખતે ફરજ બજાવતા પોલીસોના જે હાલ થયા હતા એ જોઈને ત્યારે તેમને માત્ર પાણીની બૉટલ પહોંચાડતાં ૮૭ વર્ષનાં કાંદિવલીનાં સરોજ મહેતાએ ગઈ કાલે ભરતડકામાં ડ્યુટી બજાવતા પોલીસ-કર્મચારીઓને વડાપાંઉ અને પાણીની બૉટલો વહેંચી હતી. તેમના એ કાર્યને અનેક લોકોએ બિરદાવ્યું હતું.
આ સેવા કરવાનું તેમને કઈ રીતે સૂઝ્યું એ બાબતે માહિતી આપતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના વખતે શરૂઆતમાં દુકાનો પણ બંધ હતી એટલે ત્યારે પોલીસોને પાણી પણ નહોતું મળતું. મારી દોહિત્રી વિનીત એક ગ્રુપમાં જોડાઈ અને તેણે પોલીસોને છાશ પાવાની સેવા આપી હતી એટલે મેં માત્ર રિક્ષામાં પાણીની બૉટલ લઈને એ પોલીસોને વહેંચવાનું શરૂ કર્યું હતું. પોલીસો ખરેખર પાણી વગર હેરાન થતા હતા. હું દરરોજ જતી હોવાથી તેઓ મને ઓળખતા અને પાનીવાલી આન્ટી કહેતા થઈ ગયા હતા. મને ખ્યાલ હતો કે તેમની ડ્યુટી કેટલી અઘરી હોય છે. ગઈ કાલે ચૂંટણી હોવાથી મોટા પ્રમાણમાં પોલીસ-કર્મચારીઓ રોડ પર અને મતદાન-કેન્દ્ર પાસે ફરજ બજાવી રહ્યા હતા. મેં પહેલાં ૭૦ વડાપાંઉ અને ૧૯૬ પાણીની નાની બૉટલ લીધી હતી અને એ રિક્ષામાં લઈ જઈને પોલીસોને વહેંચી હતી. સવારે ૯.૩૦ વાગ્યે કાંદિવલીની ભાટિયા સ્કૂલ પાસેથી કામ શરૂ કર્યું હતું. એ પછી હું રામનગર અને અન્ય વિસ્તારોમાં ફરી હતી. એક વાગ્યે મારું કામ પત્યું હતું. વડાપાંઉ ઓછાં પડતાં બીજાં ૨૦ વડાપાંઉ લઈને વહેંચ્યાં હતાં. મારી જેટલી શક્તિ એટલી હું ભક્તિ કરું છું. હું નથી કરતી, ભગવાન કરાવે છે.’