ભાઈંદરના ૮૫ વર્ષના બા જતાં જતાં સ્કીન ડૉનેટ કરતાં ગયાં

15 December, 2019 02:39 PM IST  |  Mumbai Desk

ભાઈંદરના ૮૫ વર્ષના બા જતાં જતાં સ્કીન ડૉનેટ કરતાં ગયાં

ભાઈંદર-વેસ્ટના ચંદુલાલ પાર્કમાં પરિવાર સાથે રહેતાં ૮૫ વર્ષનાં મધુબેન કૃષ્ણદાસ પરીખ આજીવન ક્યારેય હૉસ્પિટલ ગયાં નહોતાં અને દવાઓ પણ ક્યારેય લીધી નહોતી. જોકે અચાનક તેમને લૂઝ મૉશન થઈ ગયા અને વીકનેસ આવતાં નવ ડિસેમ્બરના તેમણે જીવ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેઓ સવારના સમયે સૂતાં હતાં અને એ બાદ ઊભાં થયાં જ નહોતાં. જોકે તેમની ઈચ્છા પ્રમાણે પરિવારે તેમની સ્કીન ડૉનેટ કરી હતી અને પ્રાર્થનાસભા પણ રાખવામાં આવી નથી, એને બદલે પરીખ પરિવાર વિવિધ પ્રકારની ચૅરિટી કરશે. 

શ્રી મીરા-ભાઈંદર ગુજરાતી સમાજના અધ્યક્ષ અને મધુબેન પરીખના દીકરા વિજયભાઈ પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીનો જીવ ખૂબ સરળ હતો અને ક્યારેય તેઓ હૉસ્પિટલમાં ગયાં નથી. જોકે તેમણે આંખ જ ખોલી નહોતી, તેમણે ઊંઘમાં જ પોતાનો જીવ છોડ્યો હતો. તેમની ઈચ્છા પ્રમાણે તેમનાં અવયવો દાન કરવાનાં હતાં પરંતુ ૮૦ વર્ષ પછી અમુક જ અવયવો દાન કરી શકાય છે. એથી મુલુંડમાં આવેલી ધ ફેડરેશન ઑફ ઓર્ગન ઍન્ડ બૉડી ડૉનેશન નામની સંસ્થાની મદદે તેમની સ્કીન દાન કરવામાં આવી હતી. ગુજરાતી સમાજ દ્વારા પણ ઓર્ગન ડૉનેશન વિશે મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મમ્મીની ઈચ્છા ન હોવાથી તેમની પ્રાર્થનાસભા રાખવામાં આવી નથી. જોકે એના બદલે અમે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવાના છીએ. મમ્મી પણ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશાં આગળ રહેતાં હતાં.’

bhayander mumbai news mumbai