વસઈમાં ફેસબુક ફ્રેન્ડ દ્વારા ૮૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરાઈ

05 January, 2021 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈમાં ફેસબુક ફ્રેન્ડ દ્વારા ૮૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરાઈ

પ્રતીકાત્મક તસવીર

વસઈમાં એક રિયલ એસ્ટેટ કંપનીમાં સેલ્સ મૅનેજર તરીકે કામ કરતી ૩૮ વર્ષની વ્યક્તિની એક જાણીતા ‘ફેસબુક’ મિત્ર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, જેણે લોન માટે તેની મદદ માગી હતી.

આ વિશે માણિકપુર પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાને તેના ફેસબુક ‘મિત્ર’નો સંદેશો મળ્યો હતો કે તે મોટા નાણાકીય સંકટમાં છે એવું કહીને લોન તરીકે ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. ફેસબુકના મિત્રએ પૈસા ટ્રાન્સફર કરવા માટે ઈ-વૉલેટ નંબર પણ તેને મોકલ્યો હતો. જોકે ટેક્નિકલ અવરોધને લીધે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયું નહોતું અને તેથી મિત્રએ પીડિતાને તેના ક્રેડિટ કાર્ડના ઝેરોક્ષ ફોટો મોકલવા કહ્યું હતું. ફરિયાદીએ ભૂલથી તેની વાત માની લીધી અને થોડી વાર પછી તેણે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) પણ શૅર કર્યો હતો. જોકે પીડિતાના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા તેના બૅન્ક ખાતામાંથી આ ફેસબુક ફ્રેન્ડ છેતરપિંડી કરીને ૮૦,૦૦૦ રૂપિયા પડાવી ગયો હતો. ત્યાર બાદ આરોપી ફેસબુકનો જ ઉપયોગ કરીને પીડિતાના મિત્રોને પણ પૈસા માટે આ રીતે જ મેસેજ કરતો હોવાનું બહાર આવતાં ‌પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે લોકોને અપીલ કરી છે કે આજકાલ આવા ફ્રૉડના બનાવ વધી ગયા હોવાથી તેઓ પોતાની કોઈ પણ પ્રકારની વિગતો અજાણી વ્યક્તિને ન આપે અને આવું કંઈ જાણમાં આવે તો અમને એની માહિતી આપે.

mumbai mumbai news Crime News mumbai crime news vasai