પૈસા આવ્યા, પપ્પા જતા રહ્યા

31 December, 2020 08:23 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

પૈસા આવ્યા, પપ્પા જતા રહ્યા

પ્રતીકાત્મક તસવીર

૧૯૮૭માં શરૂ કરેલી કાનૂની લડાઈ છેક ૨૦૨૦ના છેલ્લા અઠવાડિયામાં પૂરી થાય અને બિલ્ડર સામે લડત લડનાર ૮૦૦ પરિવારને ન્યાય અને રોકેલા પૈસાનું રીફન્ડ પણ મળે છતાં એમાંના ઘણાને એવો સવાલ થાય કે હવે આ પૈસાનો શું અર્થ. આવો જ કંઈક સૂર છે તાડદેવમાં રહેતાં શિલ્પા તામનીનો. શિલ્પાના પપ્પા ચંદ્રકાન્ત પવારે ૧૯૯૧માં વિરારના કોફરાડના જેપી નગરમાં ૧૯૮૭માં પરાંજપે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જાહેર કરાયેલી મિડલ ક્લાસ માટેના અફૉર્ડેબલ હાઉસિંગ યોજનામાં ઘર બુક કરાવ્યું હતું. આજે તેમના પરિવારને પૈસા મળશે તો ખરા પણ ચંદ્રકાન્ત પવાર આ ન્યાય જોવા માટે હાજર નથી, તેમનું ક્યારનુંય અવસાન થઈ ચૂક્યું છે.

પરિવારો પર શું વીતી?

વિરારના ઘર બુક કરાવ્યાના ૩૪ વર્ષે ન્યાય મેળવનારાઓ પર શું વીતી?

વિરારના કોફરાડના જેપી નગરમાં પરવડી શકે એવા ભાવ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ મહેનતથી ભેગી કરેલી તેમની મૂડી પોતાના સપનાના ઘરમાં લગાડી દીધી હતી. લોકોએ અમુક રકમ આપીને ઘર બુક કરાવ્યાં હતાં પરંતુ જયંત પરાંજપે દ્વારા અમુક બિલ્ડિંગો જ તૈયાર કરવામાં આવ્યાં હતાં, જ્યારે પ્રોજેક્ટનાં અનેક બિલ્ડિંગોનું કામ તે કરી શક્યો નહોતો. પ્રોજેક્ટ અધૂરો રહી ગયો હોવાથી એમાં ઘર બુક કરનારા લોકોના પૈસા અટવાઈ ગયા હતા. અનેક પ્રયાસો બાદ અંતે ઘર બુક કરનારા અનેક લોકોએ મુંબઈ ગ્રાહક પંચાયત (એમજીપી)નો સંપર્ક કર્યો હતો. લોકોને તેમના પૈસા પાછા મળી રહ્યા ન હોવાથી એમજીપી દ્વારા કન્ઝ્યુમર કોર્ટ અને નૅશનલ કમિશનમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. અંતે એમજીપીની ૩૪ વર્ષની લડત બાદ ૮૦૦ પરિવારને ન્યાય મળ્યો છે. લોકોને પૈસા વ્યાજ સહિત પાછા મળી રહ્યા હોવાથી એના પર તેમને વિશ્વાસ બેસી રહ્યો નથી. આવા અમુક લોકો સાથે ‘મિડ-ડે’એ વાત કરી.

શું કહે છે શિલ્પા તામની?

શિલ્પાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા પપ્પા ચંદ્રકાન્ત પવારે આશરે ૧૯૯૧માં ઘર બુક કરાવ્યું હતું. મારી મમ્મી રોહિણી પવારે મોટી બહેન સંગીતા, જે હાલમાં યુએસમાં રહે છે તેના માટે રોકાણ કર્યું હતું. મમ્મીને પૈસા સેવ કરવાની આદત હોવાથી તેણે જમા કરેલા ૮૬ હજારથી ઘર બુક કરાવ્યું હતું. મમ્મી-પપ્પા એ વિશે ખૂબ ઉત્સાહિત હતાં, પરંતુ ઘર મળી રહ્યું ન હોવાથી તેઓ ખૂબ દુખી થઈ ગયાં હતાં. પપ્પા ૧૯૯૫માં ગુજરી ગયા અને મમ્મીને આશા હતી કે અમારા પૈસા પાણીમાં નહીં જાય. આજે ૩ લાખ રૂપિયાની આસપાસ પૈસા મળશે, જે મારી મમ્મી માટે પપ્પાની યાદ સમાન રહેશે.’

પૌત્રીનાં લગ્ન વખતે પૈસા મળી રહ્યા છે

અંધેરી (ઈસ્ટ)માં રહેતા ૮૩ વર્ષના ચંદ્રશેખર પાનસેએ આ પ્રોજેક્ટમાં તેમની દીકરીનાં લગ્ન વખતે ઘર બુક કરાવ્યું હતું, પરંતુ આ લડત એટલી લાંબી ચાલી કે તેમને રકમ મળી ત્યારે તેમની પૌત્રીનાં લગ્ન થઈ રહ્યાં છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં ૮૦ વર્ષનાં વિજયા પાનસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ૫૩ વર્ષની હતી ત્યારે અમે મારી દીકરીનાં લગ્ન પહેલાં તેના માટે ઘર બુક કરાવ્યું હતું. તેને લગ્ન બાદ કામ આવી શકે એ કારણે અમે ભેગા કરેલા પૈસા એમાં નાખી દીધા હતા, પરંતુ ઘરનું કંઈ ઠેકાણું ન હોવાથી પૈસા ડૂબી ગયા એમ વિચારીને ખૂબ નારાજ હતાં. દીકરીનાં લગ્નની જગ્યાએ હાલમાં મારી પૌત્રીનાં લગ્ન આવી ગયાં છે.’

રિટાયરમેન્ટમાં પૈસા કામ લાગશે

કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં સુનીલ વૈદ્યએ તેમની ૩૫ વર્ષની ઉંમરે ઘર બુક કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘દાદરમાં ઘર નાનું હોવાથી દીકરાનાં લગ્ન બાદ સાથે રહી શકાય એમ ન હોવાથી અમે આગળનું જીવન બુક કરેલા ઘરમાં વિતાવીશું એવું વિચારીને ત્યાં પૈસા નાખ્યા હતા, ડૂબેલા પૈસા મળશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. પરંતુ મહેનતના પૈસા પાછા મળી રહ્યા હોવાથી ખૂબ ઉત્સાહિત છીએ અને હાલમાં નિવૃત્ત જીવનમાં મેડિકલ ખર્ચાઓ ખૂબ વધી ગયા હોવાથી તેમના આ પૈસા અતિશય કામમાં આવશે.’ દરમિયાન મુંબઈ ગ્રાહક પંચાયતના ચૅરમૅન ઍડ્વોકેટ શિરીષ દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટમાં ઘર બુક કરનાર એક પછી એક લોકોની ફરિયાદ અમારી પાસે આવતી ગઈ અને એ આંકડો ૮૦૦ સુધી પહોંચી ગયો હતો.’

mumbai mumbai news virar preeti khuman-thakur