લૂંટના આઘાતમાં જીવ ગયાના મહિને પાછો મળી ગયો લૂંટનો માલ

22 September, 2021 01:12 PM IST  |  Mumbai | Shirish Vaktania

સાંતાક્રુઝનાં સુશીલાબહેન શાહે ઘૂંટણની સર્જરી માટે રાખેલી કૅશ અને સોનું ચોરાઈ જતાં એેના શૉકમાં તેમનું મૃત્યુ હૉસ્પિટલમાં જ સારવાર દરમ્યાન થયાના એક મહિના પછી લૂંટનો માલ જપ્ત કર્યો પોલીસે

સાંતાક્રુઝમાં સુશીલાબહેન રહેતાં હતાં એ બિલ્ડિંગ અને મોબાઈલમાં એમનો ફોટો દેખાડી રહેલો પૌત્ર કેવલ (તસવીર : સતેજ શિંદે)

ઘૂંટણની સર્જરી માટે રાખેલા ૨૦ તોલા સોનાના દાગીના અને પાંચ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ જવાથી આઘાત પામેલાં સાંતાક્રુઝ રહેતાં ૮૦ વર્ષનાં સુશીલા ચંદુલાલ શાહ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યાં હતાં. જોકે ઘટનાના એક મહિના બાદ વાકોલા પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોરાયેલી મતા પાછી મેળવી છે.

સાંતાક્રુઝ-ઈસ્ટની પ્રભાત કૉલોનીમાં સુશીલાબહેન તેમના ત્રણ દીકરા અને પરિવાર સાથે રહે છે. આરોપી સાકીનાકાનો રહેવાસી હતો અને ચોરી કર્યા બાદ તે મુદ્દામાલ સાથે ઝારખંડમાં નક્સલીઓના વિસ્તારમાં છુપાયો હતો. આરોપીના માથે ઘરફોડીના ૧૫ કેસ છે. શાહ પરિવારના ઘરે ઘરફોડીની ઘટના ૬ ઑગસ્ટે બની હતી અને એના આઘાતમાં સુશીલાબહેન ૧૫ ઑગસ્ટે મૃત્યુ પામ્યાં હતાં.

સુશીલાબહેનની પુત્રવધૂ શિલ્પા શાહે જણાવ્યું કે સુશીલાબહેનને ઘૂંટણની તકલીફ હોવાથી અને તેમના બિલ્ડિંગમાં શૌચાલય બહાર હોવાથી થોડા સમયથી તેઓ બાજુની સોસાયટીમાં રહેતા તેમના બીજા પુત્ર સાથે રહેવા ગયાં હતાં અને દાગીના તથા રોકડ રકમ તેમના ઘરમાં જ હતી. ઘટનાની રાતે આરોપીએ એક જ બિલ્ડિંગમાં ત્રણ ઘરનાં તાળાં તોડીને લૂંટ ચલાવી હતી. રાત્રે લગભગ ત્રણ વાગ્યે ઘૂસેલા ચોરે બિલ્ડિંગના તમામ ઘરને બહારથી બંધ કરીને ત્રણેય ઘરનાં તાળાં તોડ્યાં હતાં. સવારે જ્યારે શિલ્પાબહેનની પુત્રવધૂની આંખ ખૂલી ત્યારે ઘરનો દરવાજો બહારથી બંધ હતો. બિલ્ડિંગના છોકરાઓની મસ્તી ગણીને તેમણે પાડોશીઓને ફોન કરી બારણું ખોલવાનું કહ્યું હતું, પણ તેમનો પણ દરવાજો બંધ આવતાં તેમણે નજીકની સોસાયટીમાં રહેતા તેમના સંબંધીની મદદ લેતાં બિલ્ડિંગમાં બધાનાં જ ઘર બહારથી બંધ હોવાની તેમ જ તેમના સહિત કુલ ત્રણ ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીમાં સુશીલાબહેન અને તેમના પરિવારની જીવનભરની કમાણી ચોરાઈ ગઈ હોવાથી અમે તત્કાળ પોલીસને જાણ કરી હતી.’ 

સાતમા દિવસે મૃત્યુ પામ્યાં

ઘૂંટણની સર્જરીના ૮ લાખ રૂપિયાના ખર્ચ માટે જીવનભરની જમાપૂંજી સમાન દાગીના અને રોકડ રકમ લૂંટાઈ જતાં આઘાતમાં સરી પડેલાં સુશીલાબહેનને ડિપ્રેશન અને હાઈ બીપીની તકલીફને લીધે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં પણ તેઓ સતત રડી રહ્યાં હતાં. હૉસ્પિટલમાં દાખલ કરાયાના સાતમા દિવસે તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસતપાસ

વાકોલા પોલીસના પીએસઆઇ નીતિન સાવેએ જણાવ્યું હતું કે ‘તેમણે પાંચ અધિકારીઓની ટીમ બનાવી હતી, જેણે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી આરોપીને ઓળખી કાઢ્યો હતો. આરોપીના માથે ઘરફોડીના વધુ ૧૫ કેસ હોવાનું તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. આરોપીની ઓળખ થયા બાદ તે તેના વતન ઝારખંડ ગયો હશે તથા નક્સલીઓના વિસ્તારમાં છુપાયો હોઈ શકે એવી ગણતરી સાથે પોલીસે તપાસ કરી તેને શોધી કાઢ્યો હતો અને તેની પાસેથી ચોરીનો માલ જપ્ત કર્યો હતો.

સુશીલાબહેન ચંદુલાલ શાહના પરિવારમાં ત્રણ દીકરાઓ વિજય, ઉમેશ અને હિરેન છે. તેમના ચોરી થયેલા દાગીનામાં સોના અને હીરાની બંગડીઓ, નેકલેસ, ઇયરરિંગ્સ સહિત અનેક વસ્તુઓ હતી.

mumbai mumbai news santacruz shirish vaktania