ભિવંડીમાં ટિમ્બર માર્ટની આગ 8 જણ માટે ગોઝારી નીવડી

28 December, 2014 05:21 AM IST  | 

ભિવંડીમાં ટિમ્બર માર્ટની આગ 8 જણ માટે ગોઝારી નીવડી




ભિવંડીમાં એક ટિમ્બર માર્ટમાં ગઈ કાલે વહેલી સવારે ૩ વાગ્યે ફાટી નીકળેલી આગમાં ૮ જણ બળીને ભડથું થઈ ગયા હતા, જ્યારે અન્ય ૩ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા.

ભિવંડીના નારપોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ અકાડેએ કહ્યું હતું કે ‘ભિવંડી પાસેના માણકોલી ગામમાં મઢવી કમ્પાઉન્ડમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આસપાસનાં અન્ય ત્રણ ગોડાઉન સહિત એક ભંગારની દુકાનને પણ આગે લપેટમાં લઈ લીધી હતી. લાકડાં ભરેલી ત્રણ ટ્રકો જે વહેલી સવારે રવાના થવાની હતી એ પણ બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનાસ્થળે ત્યાર બાદ ડઝનેક ફાયર-એન્જિનો પહોંચી ગયાં હતાં અને સવારે ૭.૩૦ વાગ્યે આગને કાબૂમાં લેવાઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. વધુ તપાસ ચાલી રહી છે.’

ફાયર-બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે ‘ગોડાઉનમાં રાત્રે ૧૧ મજૂરો સૂઈ ગયા હતા એમાંથી ૮નાં મૃત્યુ થયાં છે. એકની ઓળખ નહોતી થઈ શકી. ઘાયલોને ભિવંડીની ઇન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અન્ય લોકોને વધુ સારવાર માટે થાણેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’

થાણે સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું છે કે ‘ઈજાગ્રસ્ત લોકો ૨૦થી ૩૦ ટકા દાઝી ગયા છે. મોટા ભાગે તેઓ શરીરના ઉપરના ભાગે દાઝ્યા છે, એમાંની માત્ર એક જ વ્યક્તિ શરીરના નીચેના ભાગે દાઝી છે. તેઓની હાલત હમણાં સ્થિર છે.’

આ ઘટના બાદ પ્રૉપર્ટીના માલિકો અને જેને એ ભાડા પર આપી છે તેઓ ફરાર છે. તેમનાં નામ મુનવર અલી ખાન, જંગબહાદુર અલી ખાન, ઇશ્તિયાક અન્સારી, શૌકત અલી અન્સારી અને રાજન માંડવી છે. પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.