હવે મોટા ભાગના પેરન્ટ્સને જોઈએ છે ઑફલાઇન એજ્યુકેશન

10 February, 2021 12:58 PM IST  |  Mumbai | Pallavi Smart

હવે મોટા ભાગના પેરન્ટ્સને જોઈએ છે ઑફલાઇન એજ્યુકેશન

ઘરે ઑનલાઇન વર્ગો ભરી રહેલો વિદ્યાર્થી

દેશભરની સ્કૂલો ખૂલવા માંડી છે ત્યારે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર ૭૯ ટકા વાલીઓ વર્ગખંડનું શિક્ષણ પૂર્ણપણે શરૂ થાય એમ ઇચ્છે છે. ગયા મહિનાના સર્વેમાં આટલા જ (૬૯ ટકા) વાલીઓએ તેમનાં બાળકોને સ્કૂલે મોકલવા વિરુદ્ધ મત આપ્યો હતો. જુલાઈમાં ૯૭ ટકા વાલીઓ સ્કૂલો ખોલવાની વિરુદ્ધમાં હતા.

ચાલુ મહિનાના પ્રારંભમાં હાથ ધરાયેલા સર્વેના મતાનુસાર, આ અભિપ્રાયમાં આવેલા મોટા પરિવર્તન પાછળનું એક કારણ ઑનલાઇન શિક્ષણની અસરકારકતા છે. ઘણા વાલીઓએ શિક્ષણની ઑનલાઇન પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી છે.

આ સર્વે કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ લોકલ સર્કલ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જે મહામારીએ દેશને ઝપટમાં લીધો ત્યારથી આવા સર્વે હાથ ધરે છે. આ સર્વેને ૨૪ રાજ્યોના ૨૯૪ જિલ્લાઓમાં વસતાં માતા-પિતાઓ પાસેથી ૧૬,૦૦૦ કરતાં વધુ પ્રતિભાવો મળ્યા હતા.

સ્કૂલ રિઓપન કરવાની તરફેણ કરનારા વાલીઓમાં હજી પણ વર્ગો ક્યારે શરૂ કરવા જોઈએ એ અંગે મતમતાંતરો પ્રવર્તે છે. ૨૦ ટકા વાલીઓ માર્ચ મહિનાથી સ્કૂલો શરૂ થાય એમ ઇચ્છે છે, તો ૧૩ ટકા વાલીઓ એપ્રિલથી અને ૩૨ ટકા વાલીઓ જૂન-જુલાઈથી શરૂ થાય એમ ઇચ્છે છે.

જોકે બાળકોએ ઘરની અંદર રહેવાનું થાય એવાં અન્ય કારણો સર્જાય, ત્યારે કોવિડ-19 મહામારી જેવી કટોકટીની સ્થિતિમાં ઑનલાઇન શિક્ષણની આ વૈકલ્પિક વ્યવસ્થાનો પણ ઉપયોગ કરી શકાય. આ ઑનલાઇન પદ્ધતિ આવા સમય દરમિયાન બાળકો વર્ગોથી વંચિત ન થાય, એ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ નીવડશે, એમ લોકલ સર્કલ્સના સ્થાપક સચિન ટાપરિયાએ જણાવ્યું હતું.

mumbai mumbai news pallavi smart