કુછ હી ઘર તિરંગા?

13 August, 2022 09:53 AM IST  |  Mumbai | Prajakta Kasale

બીએમસી દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવા માટે સંઘર્ષ નથી કરી રહ્યું, પરંતુ લોકોને ખામીવાળા ઝંડા બદલી આપવામાંય એની સામે મુશ્કેલીઓ છે

બીએમસીના અધિકારીઓએ તિરંગાની વહેંચણી કરી હતી (તસવીર : શાદાબ ખાન)

હર ઘર તિરંગા અભિયાન શરૂ થઈ ગયું છે પણ હજી સુધી બીએમસી તો લોકો સુધી ધ્વજ પહોંચાડવામાં સંઘર્ષ કરી રહ્યું છે અને અધૂરામાં એ ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ બદલાવી આપવામાં પણ પહોંચી વળે એવું નથી લાગતું. અત્યારે તો તેમની પાસે સ્ટૉક મર્યાદિત છે અને તેઓ બધાને તિરંગો આપી શકે એવું નથી લાગતું.

ઘાટકોપરમાં રહેતા સંદેશ કદમે કહ્યું કે ‘અમે સાંભળ્યું છે કે બીએમસી પ્રત્યેક ઘરને ઝંડા આપવાનું છે, પણ અમને હજી સુધી એક પણ ઝંડો મળ્યો નથી. મારાં બાળકો ખૂબ ઉત્સાહી છે એથી હવે અમે ઝંડો ખરીદી લઈશું.’

‘એન’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંજય સોનાવણેએ કહ્યું કે અમે અત્યાર સુધી ૧.૩૨ લાખ ઝંડાનું વિતરણ કર્યું છે અને હજી પણ કરી રહ્યા છીએ. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે તેમના વૉર્ડમાં લગભગ ૧.૮૦ લાખ ઘર છે, પરંતુ તેમને માત્ર ૧.૭૦ લાખ ઝંડા મળ્યા છે, જેમાંના કેટલાક નુકસાનીવાળા છે. શરૂઆતમાં અમે દુકાનો અને અન્ય સંસ્થાઓને પણ ફ્લૅગ્સનું વિતરણ કર્યું હતું, પરંતુ હવે મર્યાદિત સ્ટૉકને કારણે અમે ફક્ત ઘરોમાં આપી રહ્યા છીએ.

આવી સમસ્યા લગભગ દરેક વૉર્ડમાં છે. બીએમસીએ વૉર્ડ ઑફિસોને ફ્લૅગ્સ આપ્યા હતા, જે પછી અનેક ઘરોમાં વહેંચવામાં આવ્યા હતા. શરૂઆતમાં વૉર્ડ ઑફિસોએ આશા વર્કર્સની મદદ લીધી હતી, પરંતુ જેમ-જેમ સમયમર્યાદા નજીક આવતી ગઈ એમ નાગરિક કાર્યકરો પણ જોડાયા હતા. કેટલાક વૉર્ડ્સે ભૂતપૂર્વ કૉર્પોરેટર્સની મદદ પણ લીધી હતી. જોકે દરેક ઘરે ઝંડા પહોંચાડવાનું મુશ્કેલ લાગે છે, જેનાં કારણોમાં ઝંડા ઓછા હોવા ઉપરાંત ઘણા ઝંડા નુકસાનીવાળા હોવાનું પણ ગણાય છે. 

mumbai mumbai news independence day brihanmumbai municipal corporation