13 August, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં જીવ ગુમાવનાર નીતા શાહ અને અકસ્માત બાદ પોલીસની ફૉરેન્સિક ટીમના સભ્યો દ્વારા તપાસ ચાલુ થઈ હતી.
મલબાર હિલ વિસ્તારના રિજ રોડ પર આવેલા પ્રકાશ બિલ્ડિંગમાં રહેતાં ૭૫ વર્ષનાં નીતા શાહ ગઈ કાલે સવારે કામસર નીચે ઊતર્યાં હતાં ત્યારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની ઇલેક્ટ્રિક બસના પાછળના પૈડા નીચે આવી જતાં તેમનું મોત થયું હતું. આ અકસ્માતમાં એક કારનું પણ નુકસાન થયું હતું. મલબાર હિલ પોલીસે બસ-ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
BESTના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘BESTની મુંબઈ સેન્ટ્રલ ડેપોની લીઝ પરની રૂટ-નંબર ૧૦૫ની વિજયવલ્લભ ચોક (પાયધુની)થી કમલા નેહરુ પાર્ક (મલબાર હિલ)ની બસ મલબાર હિલ પર સહ્યાદ્રિ ગેસ્ટહાઉસ પાસે ૯.૧૦ વાગ્યે પહોંચી ત્યારે આ અકસ્માત થયો હતો. ડ્રાઇવરને મોટો અવાજ આવતાં તેણે બસ રોકી હતી અને નીચે ઊતરીને જોયું ત્યારે બસની ડાબી સાઇડના પાછળના પૈડા નીચે એક મહિલા આવી ગયાં હતાં અને તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. એની સાથે જ ત્યાં પાર્ક કરાયેલી સિલ્વર કલરની કારને પણ નુકસાન થયું હતું. મહિલાને તરત જે. જે. હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં ફરજ પરના ડૉક્ટર સ્નેહલ જાધવે તેમને મૃત જાહેર કર્યાં હતાં.’
પોલીસ-સૂત્રોએ જણાવ્યું હતું કે ‘નીતા શાહનો દીકરો અમેરિકામાં રહે છે અને દીકરીનાં લગ્ન થઈ ગયાં છે અને તે એ વિસ્તારમાં જ રહે છે. અકસ્માતની જાણ થતાં દીકરી-જમાઈ દોડી આવ્યાં હતાં. નીતા શાહ સાથે એક કૅરટેકર રહે છે. તેઓ ક્લબમાં સવારે યોગ ક્લાસમાં ગયાં હતાં અને ત્યાંથી પાછાં આવી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.’