ઘાટકોપરમાં વધુ એક ગુજરાતી વૃદ્ધા પર લૂંટના ઈરાદે હુમલો

09 November, 2012 03:03 AM IST  | 

ઘાટકોપરમાં વધુ એક ગુજરાતી વૃદ્ધા પર લૂંટના ઈરાદે હુમલો



રોહિત પરીખ

ઘાટકોપર, તા. ૯

ઘાટકોપર (વેસ્ટ)ના સાંઈનાથનગરની વિવેક સોસાયટીના બીજે માળે ફ્લૅટ-નંબર જી-૧૧માં રહેતાં બ્રાહ્મણ સિનિયર સિટિઝન મહિલા કમળાબહેન બચુભાઈ ઠાકર પર તેમના જ ઘરમાં મિસ્ત્રીનું કામ કરવા આવેલા એક માણસે લૂંટના ઇરાદે ઘાતકી હુમલો કરતાં બહુમતી ગુજરાતી વસ્તી ધરાવતા સાંઈનાથનગરની આસપાસના વિસ્તારોમાં સિનિયર સિટિઝનો અને મહિલાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આઠ સપ્ટેમ્બરે ૬૨ વર્ષનાં દક્ષા દફતરી અને મહિનામાં ૫૮ વર્ષનાં ચેતના અજમેરાની હત્યા થઈ હતી.

હુમલાખોરે ચહેરા, ગળા અને ડોકના પાછળના ભાગ પર હાથથી અને કોઈ હથિયારથી કરેલા હુમલાની સારવાર માટે કમળાબહેનને નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની હાલત ગંભીર છે. મિસ્ત્રી તેનાં સાધનો ફ્લૅટમાં જ છોડીને ભાગી ગયો હતો. પોલીસે કહ્યું હતું જે રીતે ઘરના કબાટ ખુલ્લા પડ્યા હતા એ જોતાં લૂંટનો પ્રયાસ થયો હોવાની શંકા છે, પણ કમળાબહેન અત્યારે સારવાર હેઠળ હોવાથી લૂંટ કેટલા રૂપિયાની થઈ છે એ જાણી શકાયું નથી.

કામવાળી ગયા બાદ હુમલો


સાંઈનાથનગરમાં ૫૦ વર્ષ કરતાં વધુ સમયથી રહેતાં ૭૨ વર્ષનાં કમળાબહેન ઠાકર ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યે બાજુના સંઘાણી એસ્ટેટના શંકરના મંદિરથી દર્શન કરીને આવ્યા બાદ તેમના ઘરે બે વાગ્યાની આસપાસ કામવાળી બાઈ સુનીતા અને કમળાબહેન એકલાં હતાં. કામવાળી બાઈ તેનું કામ પતાવીને ઘરેથી ગઈ ત્યાર બાદ આવેલા મિસ્ત્રીએ કમળાબહેન પર લૂંટના ઇરાદે ઘાતકી હુમલો કર્યો હતો. કમળાબહેન એકલાં રહેતાં હોવાથી લૂંટની રકમનો હજી સુધી અંદાજ આવ્યો નથી. બે વર્ષ પહેલાં બચુભાઈનું બીમારીમાં મૃત્યુ થયા પછી કમળાબહેન તેમના ફ્લૅટમાં એકલાં જ રહે છે. તેમના એક દીકરા પરેશનું નવી મુંબઈના રબાળેમાં પ્રિન્ટિંગ પ્રેસ છે અને એક પુત્ર તથા પુત્રી તેમ જ પત્ની સાથે વાશીમાં રહે છે. તેમની બે દીકરીઓ તૃપ્તિ અને સંગીતાને ઘાટકોપરમાં જ પરણાવી છે.

પરિવારજનો શું કહે છે?


ગારોડિયાનગરમાં રહેતા કમળાબહેનના ભત્રીજા ડૉક્ટર વિપુલ જોશીએ ‘મિડ-ડે’ને આ બનાવ વિશે કહ્યું હતું કે ‘મારાં ફોઈ પર ઘરમાં કામ કરવા આવેલા મિસ્ત્રીએ લૂંટના ઇરાદાથી ઘાતકી હુમલો કર્યો હતો. તેમનું ગળું દબાવી તેમના ચહેરા પર મુક્કા માર્યા હતા તેમ જ તેમની ડોકના પાછળના ભાગમાં કોઈ હથિયારથી પણ ઘા માર્યો હતો.’

વન બીએચકેના ફ્લૅટમાં બે વર્ષથી એકલાં રહેતાં મૂળ ગુજરાતના ચોરીવાડ ગામનાં ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કમળાબહેન તેની સામે ઝઝૂમ્યાં હતાં, પણ હુમલાખોરને પકડી નહોતાં શક્યાં. અંદાજે પોણાત્રણ વાગ્યે તેમના પુત્ર પરેશ ઠાકરનો માણસ કમળાબહેનને પૈસા આપવા આવ્યો હતો. એ સમયે તેને ઘણીબધી બેલ માર્યા બાદ કમળાબહેને લોહીલુહાણ હાલતમાં બેડરૂમમાંથી ઘસડાઈને તેમના મેઇન ગેટ સુધી જઈને દરવાજો ખોલ્યો હતો. પરેશના માણસે તેમની આ હાલત જોઈને તરત જ પાડોશીઓને ભેગા કરીને પોલીસને બનાવની જાણ કરી હતી. કમળાબહેનની નાજુક હાલત જોતાં પોલીસે તરત જ એલબીએસ માર્ગ પર આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેમને દાખલ કર્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર છે.

કમળાબહેનના એકના એક પુત્ર પરેશ ઠાકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું દર મહિને મારી મમ્મીને પૈસા મોકલું છું. દિવાળી આવતી હોવાથી મમ્મીને વહેલા પૈસા જોઈતા હતા એટલે નસીબજોગે મારો માણસ ગઈ કાલે બપોરે મમ્મીને પૈસા આપવા ગયો હતો.’

પોલીસ શું કહે છે?

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામ માન્ડુર્કેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પ્રાથમિક તપાસમાં કમળાબહેન ઠાકરના ઘરમાંથી કંઈ જ લૂંટાયું નથી કે કમળાબહેને હુમલાખોરને આપેલી લડતને લીધે તે લૂંટ કર્યા વગર જ ભાગી ગયો હોવો જોઈએ એવું અત્યારે અમારું અનુમાન છે. કમળાબહેને આપેલા વર્ણન પ્રમાણે અમે તેને વહેલી તકે પકડી લઈશું. કમળાબહેનના મોબાઇલના લાસ્ટ કૉલમાં કરેલા નંબરમાં નોંધાયેલા મિસ્ત્રીના નંબરને અમે ટ્રેસ કરી રહ્યા છીએ.’

વન બીએચકે = વન બેડરૂમ હૉલ કિચન

એલબીએસ = લાલ બહાદુર શાસ્ત્રી