૭૦ વર્ષની પત્નીને અફેર છે એવી શંકા પરથી ૭૫ વર્ષના પતિએ કરી તેની હત્યા

09 May, 2022 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માલવણી ગેટ-નંબર પાંચ પાસેના શિવાજીનગરમાં શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યે આ ઘટના બની હતી

પ્રતીકાત્મક તસવીર

મલાડના માલવણીમાં ૭૫ વર્ષના પતિએ તેની ૭૦ વર્ષની પત્ની અન્ય કોઈ સાથે અફેર ધરાવે છે એવી શંકા જતાં તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના શુક્રવારે બની હતી. જોકે પતિએ એ પછી આત્મહત્યાનો પ્રયાસ કરતાં હાલ તેની હાલત ગંભીર છે. માલવણી પોલીસે આ કેસમાં આ દંપતીના ૪૧ વર્ષના દીકરાનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે.

માલવણી ગેટ-નંબર પાંચ પાસેના શિવાજીનગરમાં શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. દંપતીના ૪૧ વર્ષના પુત્ર રફીક શેખે માલવણી પોલીસને માહિતી આપતાં કહ્યું હતું કે ‘હું અંધેરીની એક સાઇટ પર મજૂરીનું કામ કરું છે, જ્યારે મારા પિતા સમરુદ્દીન છેલ્લાં દસ વર્ષથી નિવૃત્ત છે. મારી ૭૦ વર્ષની માતા મુમતાઝ નજીકની એક સ્કૂલમાં સફાઈનું કામકાજ કરે છે. છેલ્લા ત્રણ મહિનાથી મારા પિતાને શંકા હતી કે મારી માતાનું કોઈની સાથે અફેર છે. એથી તેઓ તેનો પીછો કરતા હતા. તે ક્યાં જાય છે, કોને મળે છે વગેરે પર તેઓ સતત નજર રાખતા હતા. એટલું જ નહીં, આ બાબતે તેઓ અવારનવાર મારી માતા સાથે ઝઘડતા રહેતા હતા. મારા પિતા સૂતી વખતે ઓશીકા નીચે છરો રાખતા થઈ ગયા હતા. જ્યારે મને એ વાતની જાણ થઈ ત્યારે મેં એ છરો ઘરની બહાર ફગાવી દીધો હતો અને પિતાને કહ્યું હતું કે માતા પર શંકા કરવાનું છોડી દો અને ઝઘડા ન કરો.’

શુક્રવારે સાંજે રફીકે તેની પત્નીને ફોન કરીને કહ્યું કે મારે આજે ઘરે આવતાં મોડું થશે એટલે તું જ બજારમાં જઈને સામાન લઈ આવ. એથી તેની પત્ની બજાર ગઈ હતી. એ વખતે સમરુદ્દીન અને મુમતાઝ ઘરે જ હતાં. થોડી વાર પછી તેના પાડોશીઓએ રફીકની પત્નીને ફોન કરીને કહ્યું કે જલદી ઘરે પાછા ફરો, તમારા ઘરમાંથી ચીસાચીસ અને રાડારાડ સંભળાઈ રહી છે. એથી તે તરત જ પાછી ફરી હતી. તેણે રફીકને જાણ કરતાં રફીક પણ ઘરે આવી ગયો હતો. તેમણે ઘરે જઈને જોયું તો સમરુદ્દીન પલંગ પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તેના પેટમાં ઘા થયો હતો, જ્યારે બીજા રૂમમાં મુમતાઝ પર અનેક ઘા થયા હતા અને તે પણ લોહીલુહાણ હતી. તરત જ રફીક તે બન્નેને કૂપર હૉસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં ડૉક્ટરોએ મુમતાઝને મૃત જાહેર કરી હતી, જ્યારે સમરુદ્દીનને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. માલવણી પોલીસે આ સંદર્ભે સમરુદ્દીન સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. 

mumbai mumbai news Crime News mumbai crime news malad