ગુનાખોરી અટકાવવા મલાડના આદર્શનગર કૉમ્પ્લેક્સમાં ૭૦ CCTV કૅમેરા

14 November, 2014 04:56 AM IST  | 

ગુનાખોરી અટકાવવા મલાડના આદર્શનગર કૉમ્પ્લેક્સમાં ૭૦ CCTV કૅમેરા



અંકિતા સરીપડિયા

મલાડ-વેસ્ટમાં આવેલા આદર્શનગર કૉમ્પ્લેક્સ વિસ્તારમાં ચેઇન-સ્નૅચિંગ, લૂંટ, ગાડીઓની અથડામણ, ગાડી તોડીને અંદરથી સામાનની ચોરી, વૉક કરવા જનારા લોકો સાથે થતી મસ્તી અને છેડતી તેમ જ અન્ય નાના-મોટા વધી રહેલા અકસ્માતોના બનાવોને રોકવાના હેતુથી પૂરા આદર્શનગરને કવર કરતા કુલ ૭૦ CCTV કૅમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવી રહ્યા છે. દશેરાથી કૅમેરા ઇન્સ્ટૉલ કરવાનું કામ શરૂ થયું હતું. હાલમાં ૩૦ જેટલા CCTV કૅમેરા ઇન્સ્ટૉલ થઈ ગયા છે, જ્યારે બાકીના કૅમેરા ઇન્સ્ટૉલ કરવાનું કામ ચાલુ છે.

૪૦થી ૪૫ જેટલી સોસાયટીઓ સમાવી લેતા આદર્શનગર કૉમ્પ્લેક્સના રહેવાસી સંજય મોદીએ

મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં છેલ્લા થોડા મહિનાઓમાં ક્રાઇમના બનાવો વધી રહ્યા હોવાને કારણે એના પર અંકુશ લાવવા તેમ જ વધુ સિક્યૉરિટીને પગલે CCTV કૅમેરા ઇન્સ્ટૉલ કરવાનું અમે સોસાયટીના સભ્યોએ નક્કી કર્યું હતું. આ વિશે અન્ય સોસાયટીના સભ્યોને જાણ થતાં તેઓ પણ આ પ્રપોઝલમાં જોડાઈ કૉમ્પ્લેક્સને વધુ સુરક્ષિત બનાવવા આગળ આવ્યા હતા. આદર્શનગર કૉમ્પ્લેક્સમાં નાના-મોટા રસ્તાઓના ટર્નિંગ પૉઇન્ટ તેમ જ જંક્શન અને ગાર્ડનોના એન્ટ્રન્સ પર CCTV કૅમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવી રહ્યા છે જેથી રસ્તાની બધી બાજુએ નજર રાખી શકાય. હાલમાં લગાવવામાં આવેલા ૩૦ CCTV કૅમેરાથી સારું રિઝલ્ટ મળ્યું છે અને બધા CCTV કૅમેરા વર્કિંગ પણ છે. આદર્શ કૉમ્પ્લેક્સમાં ચાલી રહેલી આ યોજનાની જાણ વિધાનસભ્ય અસલમ શેખને થતાં તેમણે નગરસેવક સહિત અમારી સાથે મીટિંગ કરી હતી અને યોજનાની પૂરી જાણકારી મેળવી અમને સામેથી અમુક અંશે આર્થિક રીતે મદદ કરવા જણાવ્યું હતું. બધી સોસાયટીના મેમ્બરો આ બાબતે સહમત થતાં વિધાનસભ્ય અસલમ શેખ અને નગરસેવક પરમિન્દર સિંહ ભામરાએ અમને મદદ કરી હતી. આ યોજનામાં અમારી સાથે અન્ય સોસાયટીના ડૉ. મહેન્દ્ર અગ્રવાલ, વિકી પટેલ, જિનેશ શાહ, દર્શન દેસાઈ, પ્રિતેશ જોશી, સંજય શાહ, નીતિન શાહ, પ્રથમ દેસાઈ, અનુપ શાહ એમ અનેક સભ્યો જોડાયા હતા.’