મેડિકલ બિલની મદદથી 7 દિવસની બાળકીની હત્યાનો કેસ ૨૪ કલાકમાં ઉકેલાયો

06 October, 2014 05:30 AM IST  | 

મેડિકલ બિલની મદદથી 7 દિવસની બાળકીની હત્યાનો કેસ ૨૪ કલાકમાં ઉકેલાયો




દવાની ખરીદીની રસીદ અને સચોટ ડિટેક્ટિવ-વર્ક વડે સહાર પોલીસે સાત દિવસની બાળકીની હત્યાનો કેસ ૨૪ કલાકમાં ઉકેલ્યો હતો. આ બાળકી લગ્નબાહ્ય સંબંધો દ્વારા જન્મી હોવાથી તેની માતા, નાની અને એક માસીએ તેનું કાસળ કાઢી નાખ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

સહાર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસેના રુબી કોચ નાળામાં બાળકીનો મૃતદેહ તરતો હોવાનું એ વિસ્તારના હેવાસીઓએ જણાવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એ મૃતદેહ બહાર કાઢવા માટે ફાયર-બ્રિગેડને બોલાવી હતી. સહાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ‘નવી જન્મેલી બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિકની થેલીમાં લપેટેલો હતો. બાળકીના ગળા પર રૂમાલનો ફાંસો હતો. તેથી તેને ફાંસો આપીને મારી નખાઈ હોવાનું જણાતું હતું. અમે કડીઓ મેળવવાના પ્રયાસોમાં પંચનામું કર્યું એમાં સાયન હૉસ્પિટલ પાસેની એક મેડિકલ શૉપનું દવાઓનું બિલ મળ્યું. અમે દુકાનમાલિકને મળ્યા. એને આધારે સાયન હૉસ્પિટલના એ પ્રિãસ્ક્રપ્શન લખનારા ડૉક્ટરનો સંપર્ક કયોર્. તેમના દ્વારા તપાસ કરતાં જણાયું કે ચાંદિવલીની એક મહિલાએ ત્યાં બાળકીને જન્મ આપ્યો હતો.’    

ચાંદિવલીના એ સરનામે તપાસ કરતાં સ્થાનિક લોકોએ ભાગ્યશ્રી સુરેશ મંડવકર નામની સગર્ભા મહિલા વિશે વાત કરીને તેનું ઘર બતાવ્યું હતું. એ ઠેકાણે ભાગ્યશ્રી, તેની માતા સૂચિતા અને બહેન અર્ચના રહેતાં હતાં. પોલીસ ત્રણેની તસવીર મોબાઇલ ફોનમાં લઈને સાયન હૉસ્પિટલના ડૉક્ટરને મોકલીને ત્યાં બાળકીને જન્મ આપનારી મહિલા એ જ હોવાની ખાતરી કરી હતી. ડૉક્ટર પાસેથી ત્રણે એ જ વ્યક્તિઓ હોવાની ખાતરી થયા પછી આકરી પૂછપરછ બાદ તે મહિલાઓએ ગુનો કબૂલતાં તેમને હૉલિડે ર્કોટમા રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટ તેમને પાલીસ-કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો.