કલ્યાણમાં ૬૭ વર્ષના પુરુષનું કોવિડને કારણે મોત થયું

29 May, 2025 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના અપડેટ : મુંબઈમાં ગઈ કાલે નવા ૩૬ કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં કાલે નવા ૮૬ નોંધાયા, મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ ૩૮૩ હતા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કોવિડના કેસ ફરી માથું ઊંચકી રહ્યા છે ત્યારે ગઈ કાલે કલ્યાણના ૬૭ વર્ષના કોવિડ પૉઝિટિવ દરદીએ જીવ ગુમાવ્યો હતો. કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં બે દિવસમાં બીજા દરદીનું કોવિડને લીધે મૃત્યુ થયું છે.

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં હેલ્થ ઑફિસર ડૉ. દીપા શુક્લાએ કહ્યું હતું કે ‘૬૭ વર્ષના દરદીને ૨૪ મેએ ડોમ્બિવલીની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ૧૨ વર્ષ પહેલાં આ દરદીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો એટલે તેઓ પૅરેલાઇઝ્ડ હતા. તબિયત બગડતાં દરદીને કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ દરદીએ કોવિડની વૅક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો. દરદીનું હાયપરટેન્શન અને ડાયાબિટીઝ વધી જવાને લીધે આજે મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં અત્યાર સુધી કોવિડના આઠ મામલા નોંધાયા છે જેમાંથી બે દરદી પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ છે, ત્રણને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને એક દરદી હોમ ક્વૉરન્ટીન છે.’

covid vaccine covid19 coronavirus kalyan kalyan dombivali municipal corporation diabetes health tips news mumbai mumbai news