મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 67 પોલીસ કોરોના-પૉઝિટિવ: કુલ 59નાં મૃત્યુ

01 July, 2020 11:28 AM IST  |  Mumbai | Agencies

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 67 પોલીસ કોરોના-પૉઝિટિવ: કુલ 59નાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં સોમવાર અને મંગળવારના ૨૪ કલાકના સમયગાળામાં પોલીસ દળના ૬૭ જવાનોના કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. હાલમાં ૧૦૯૭ પોલીસ જવાનો રાજ્યની વિવિધ હૉસ્પિટલોમાં કોરોના-ઇન્ફેક્શન મટાડવા માટેની સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં આ બીમારીથી ૫૯ પોલીસોનાં મૃત્યુ થયાં છે.

૨૪ કલાકમાં સીમા સુરક્ષા દળના વધુ ૫૩ જવાનોના કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. એમાંથી ચાર જવાનો સાજા થયા છે. સીમા સુરક્ષા દળના ૩૫૪ જવાનો સારવાર હેઠળ છે અને ૬૫૯ જવાનો સારવાર પછી સાજા થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

દેશભરમાં ૩,૩૪,૮૨૨ લોકો કોરોના-ઇન્ફેક્શનમાંથી સાજા થયા છે. ૧૯ જૂન સુધીમાં દેશમાં ૮૬,૦૮,૬૫૪ સૅમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં, એમાંથી ૨,૧૦,૨૯૨ સૅમ્પલ ૨૯ જૂન દરમ્યાન તપાસવામાં આવ્યાં હતાં. ઉક્ત ૨૪ કલાકના ગાળામાં કોરોના-ઇન્ફેક્શનને કારણે ૪૯૮ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૧૮,૫૨૨ નવા કેસ નોંધાયા હતા. એ સાથે દેશમાં કોરોના-ઇન્ફેક્ટેડ દરદીઓની સંખ્યા ૫,૬૬,૮૪૦ ઉપર પહોંચી છે. હાલમાં ૨,૧૫,૧૨૫ લોકો કોરોના-ઇન્ફેક્શનની સારવાર હેઠળ છે. કોરોના-ઇન્ફેક્શનના મૃતકોની સંખ્યા ૧૬,૮૯૩ ઉપર પહોંચી હોવાનું આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું.

પુણેમાં અડધા કલાકમાં જ થશે કોરોના ટેસ્ટ

પુણેમાં અડધો કલાકમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે માટે જરૂરી રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરાઈ છે. પુણેમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે પુણે મહાનગરપાલિકા મારફતે આઇસીએમઆર માન્યતા પ્રાપ્ત એક લાખ રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કિટ ખરીદાઈ છે. આ તમામ કિટ અડધો કલાકમાં કોરોનાની માહિતી આપશે.

પુણેના મેયર મુરલીધર મોહોળે જણાવ્યું હતું કે પુણે શહેરમાં કોરોનાના દરદીઓની સંખ્યા વધી રહી છે. પુણે શહેરમાં કોરોનાના દરદીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા સ્થાયી સમિતિ મારફતે એક લાખ રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કિટ ખરીદી કરવામાં આવી હોવાથી હવે અડધો કલાકમાં ખબર પડશે કે કોઈ વ્યક્તિને કોરોના થયો છે કે નહીં.

રેપિડ એન્ટિજન્ટ કિટની પ્રત્યેક કિટ દીઠ કિંમત ૪૫૦ રૂપિયા છે. અગાઉ કોરોનાનો રિપોર્ટ આવવામાં બે દિવસનો સમય લાગતો હતો. હવે આ કિટ આવતા તાત્કાલિક ખબર પડશે કે કોરોના છે અથવા નથી.

mumbai mumbai news mumbai police coronavirus covid19 lockdown