કાંદિવલીના ગુમ કેટરર સામે ૬૭.૬૦ લાખના ફ્રૉડની ફરિયાદ

24 December, 2023 01:20 PM IST  |  Mumbai | Mehul Jethva

તેની સામે છેતરપિંડીની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે

યશ કેટરર

કાંદિવલીનો જાણીતો વેડિંગ કેટરર હિતેશ રાઠોડ ૧૧ ડિસેમ્બરે સ્ટાફના નામે મોટા પ્રમાણમાં ઉઘરાણી બાકી હોવાની ચિઠ્ઠી લખીને ચાલ્યો ગયો હતો, જેમાં ઘણી લોન લઈને કેટલાક લોકો પાસેથી કેટરિંગ પ્રોગ્રામના પૈસા લીધા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે આગળ સંભાળવા સક્ષમ ન હોવાથી જીવનમાં એક મોટું પગલું ભરી રહ્યો હોવાનું તેણે લખ્યું હતું. ત્યાર બાદ આ ઘટના પ્રકાશમાં આવતાં બે ગુજરાતી પરિવાર પાસેથી ૬૭.૬૦ લાખ રૂપિયા બુકિંગ માટે ઍડ્વાન્સરૂપે લીધા બાદ કોઈ સર્વિસ ન આપતાં તેની સામે છેતરપિંડીની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

કાંદિવલી-પશ્ચિમમાં શાંતિલાલ મોદી રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ભાવેક શેઠે કરેલી ફરિયાદ અનુસાર તેનાં લગ્ન ૨૭ અને ૨૮ ડિસેમ્બરે હોવાથી લગ્ન માટે ધ રિસૉર્ટ હોટેલ, આક્સા બીચ, મઢ માર્વે રોડ, મલાડ-પશ્ચિમમાં બુક કરવા તે ગયો હતો. એ સમયે હોટેલ બુક કરતી વખતે હોટેલના મૅનેજરને પૂછપરછ કરી હતી અને તેમને શાકાહારી ભોજન જોઈતું હોવાની માહિતી આપતાં તેણે યશ કેટરર્સના માલિક હિતેશ રાઠોડ વિશે જાણ કરી હતી. એની સાથે કહ્યું હતું કે જો તમને શાકાહારી ભોજન જોઈએ છે તો આ કેટરર્સની વ્યવસ્થા કરી શકો છો. ત્યાર બાદ હિતેશ રાઠોડની મુલાકાત કરતાં કુલ ૧૧૦૦ થાળી અને બે રાત અને ત્રણ દિવસ અને તમામ સુવિધાઓ માટે ૩૫ લાખ રૂપિયાનું પૅકેજ નક્કી થયું હતું. એ પછી ફરિયાદી પાસેથી હિતેશે છેલ્લા એક વર્ષમાં ૨૮.૬૦ લાખ રૂપિયા ધીરે-ધીરે કરીને લીધા હતા. દરમ્યાન ૧૧ ડિસેમ્બરે હિતેશે ફરિયાદીને વૉટ્સઍપ દ્વારા એક સંદેશ મોકલીને જાણ કરી હતી કે મેં તમારી પાસેથી રિસૉર્ટના નામે લીધેલા પૈસા ચૂકવ્યા નથી, પરંતુ મેં તમારી તારીખ બુક કરી રાખવા કહ્યું છે. ત્યાર બાદ ફરિયાદીએ રિસૉર્ટમાં જઈને પૂછપરછ કરતાં જાણ થઈ હતી કે હિતેશ રાઠોડે લગ્ન માટે રિસૉર્ટ રિઝર્વ કરાવ્યો હતો, પરંતુ રિસૉર્ટનું નિયમ મુજબનું ભાડું તેણે ચૂકવ્યું નહોતું. તેણે કેટલાક લોકો સાથે આવી છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું હતું. હિતેશ રાઠોડે ગોરેગામ-વેસ્ટમાં એસ. વી. રોડની એક સોસાયટીમાં રહેતા વત્સલ ઝવેરી પાસેથી પણ ધ રિસૉર્ટ હોટેલમાં બે રાત અને ત્રણ દિવસ માટે જમવાનું, ગ્રાઉન્ડ, ડેકોરેશન વગેરે બુક કરાવવાનું કહીને ૩૯ લાખ રૂપિયા લીધા હતા. એ પૈસા પણ તેણે રિસૉર્ટમાં જમા ન કરાવતાં પોતાના ફાયદા માટે વાપર્યા હતા. અંતે બન્નેની જૉઇન્ટ ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

આ ઘટનાની માહિતી લેવા માટે ‘મિડ-ડે’એ ભાવેક શેઠ, વત્સલ ઝવેરી અને કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ વિશ્વાસરાવનો સંપર્ક કર્યો હતો. જોકે તેમણે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. 

kandivli Crime News mumbai crime news mumbai police mumbai mumbai news mehul jethva