મહેણાંટોણાંથી કંટાળીને સાસુની હત્યા માટે સોપારી આપનારો જમાઈ પકડાયો

14 December, 2012 05:56 AM IST  | 

મહેણાંટોણાંથી કંટાળીને સાસુની હત્યા માટે સોપારી આપનારો જમાઈ પકડાયો



થાણેની ક્રાઇમ બ્રાન્ચે ૬૫ વર્ષની એક મહિલાની હત્યાના કેસમાં તેના જમાઈની ધરપકડ કરી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી પરેશ ઠક્કરે તેની સાસુની હત્યા કરવા માટે તેના મિત્રને પચાસ હજાર રૂપિયાની સોપારી આપી હતી, કારણ કે તે બેરોજગાર હોવાથી સાસુનાં મહેણાંટોણાં સાંભળીને કંટાળી ગયો હતો. પોલીસ હાલમાં આ ગુનામાં સિનિયર સિટીઝન મહિલાની દીકરીની પણ સંડોવણી છે કે નહીં એની તપાસ કરી રહી છે.

બુધવારે થાણે નગર પોલીસને થાણે સ્ટેશન પાસે આવેલી અશોક ટૉકીઝમાં રહેતી માયા ભુલેકરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વિશે વાત કરતાં થાણેની ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મદન બલ્લાલે કહ્યું હતું કે ‘મહિલાનું માથું કોઈ ભારે વસ્તુથી છૂંદી નાખવામાં આવ્યું હતું અને તેનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં મળી આવ્યો હતો. અમે આ મુદ્દે સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે એક માણસના ટી-શર્ટ પર લોહીના ડાઘ જોઈને અમને તેના પર શંકા ગઈ હતી. તે માણસે માહિતી આપી હતી કે તેનું નામ અનિલ રેબોલે છે અને તે મૃત્યુ પામેલી મહિલાના જમાઈ પરેશ ઠક્કરનો મિત્ર છે. અમે તેને હત્યા સમયે તે ક્યાં હતો એવો સવાલ કર્યો ત્યારે તેણે જણાવ્યું કે તે ઘરે જ હતો, પણ તેની પત્નીએ માહિતી આપી કે તેના પતિએ તેને જણાવ્યું હતું કે તેણે માયાને પડતા જોઈ છે અને પછી તે ઘરમાંથી નીકળી ગયો હતો.’

થાણેની ક્રાઇમ બ્રાન્ચના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ મિલિંદ ભરમ્બેએ કહ્યું હતું કે અમારા ઓફિસરોએ અનિલની ઊલટતપાસ કરતાં તેણે ગુનો સ્વીકારી લીધો છે.