પીએમ કૅર્સ હેઠળ પાલિકાને મળેલાં ૬૪૫ વૅન્ટિલેટર ધૂળ ખાય છે

17 July, 2020 05:30 PM IST  |  Mumbai | Mumbai Correspondent

પીએમ કૅર્સ હેઠળ પાલિકાને મળેલાં ૬૪૫ વૅન્ટિલેટર ધૂળ ખાય છે

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ બીજેપીના કૉર્પોરેટરે આરોપ લગાવ્યો છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને પીએમ સહાયતા હેઠળ આપેલાં વૅન્ટિલેટર મુંબઈની વિવિધ સરકારી હૉસ્પિટલોમાં બિનઉપયોગી રાખવામાં આવ્યાં છે. મુંબઈમાં કુલ ૬૪૫ વૅન્ટિલેટર આપવામાં આવ્યાં હતાં, જેમાંનાં કેટલાંક વૅન્ટિલેટરનો ઉપયોગ પાલિકા ન કરતી હોવાનું સામે આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર એસ. ચહલને લખેલા પત્રમાં બીજેપીના કૉર્પોરેટર પ્રભાકર શિંદેએ કોરોના વાઇરસના આવા કટોકટીના સમયમાં વૅન્ટિલેટરનો ઉપયોગ કરવામાં નિષ્ફળ થયેલા સંબંધિત અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી. પાલિકાને હાલમાં અનેક સરકારી હૉસ્પિટલમાં વૅન્ટિલેટરની જરૂર જણાય છે ત્યારે પીએમ કૅર ફંડમાં આપેલાં વૅન્ટિલેટરનો ઉપયોગ કરવો જોઈએ.
પાલિકાના એક અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પીએમ કૅર ફંડ અંતર્ગત દેશભરની સરકાર દ્વારા સંચાલિત કોવિડ -19 હૉસ્પિટલોને ૫૦,૦૦૦ વૅન્ટિલેટર પૂરાં પાડવા ૨૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં ૨૬ જૂને પાલિકાને ૬૪૫ વૅન્ટિલેટર મળ્યાં છે. આ તમામ વૅન્ટિલેટર મુંબઈની અનેક હૉસ્પિટલમાં સ્થાપિત કરાયાં છે. સાથે જરૂરિયાત મુંજબ એનો ઉપયોગ થઈ રહ્યો છેમુલુંડના કૉર્પોરેટર અને બીજેપી નેતા પ્રભાકર શિંદેએ જણાવ્યું હતું કે તેમણે મંગળવારે મુલુંડની બન્ને પાલિકા સંચાલિત એમ. ટી. અગ્રવાલ અને વી. ડી .સાવરકર હૉસ્પિટલોની મુલાકાત લીધી હતી અને જાણવા મળ્યું હતું કે પીએમ કૅર ફંડ હેઠળ બે હૉસ્પિટલોને મળેલાં વૅન્ટિલેટર એમજ રાખવામાં આવ્યાં છે. વધુ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વૅન્ટિલેટરની અછતને કારણે લોકો મરી રહ્યા છે એવા સમયે કૉર્પોરેશન આ મશીનો લગાવવા પગલાં નથી ભરી રહી. આ ગંભીર બેદરકારી છે. સંબંધિત અધિકારીઓ પર કાર્યવાહી કરવાની પણ મેં માગણી કરી છે.

mumbai mumbai news