શું છ વર્ષ પછી આજે ઘાટકોપરની સાંઈ સિદ્ધિ સોસાયટીના સભ્યોને ન્યાય મળશે?

27 July, 2023 09:50 AM IST  |  Mumbai | Rohit Parikh

આ સોસાયટીની ઇમારત ૨૦૧૭માં ધરાશાયી થયા પછી અહીંના રહેવાસીઓ તેમનાં ઘર પાછાં મેળવવા માટે સંઘર્ષમય કાયદાકીય લડત લડી રહ્યા છે

મંગળવારે ઘટનાસ્થળે તેમણે ગુમાવેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પીને પ્રભુને પ્રાર્થના કરી રહેલા ઘાટકોપર (વેસ્ટ)ની સાંઈ સિદ્ધિ સોસાયટીના સભ્યો.

ઘાટકોપર (વેસ્ટ)માં શ્રેયસ સિનેમા નજીક આવેલી સાંઈ સિદ્ધિ સોસાયટી ધરાશાયી થઈ એને છ વર્ષ થઈ ગયાં છે. આ બનાવમાં સોસાયટીના ૧૬ સભ્યો અને એક બહારની વ્યક્તિ સહિત ૧૭ જણે જીવ ગુમાવ્યો હતો. આજે છ વર્ષ પછી પણ આ સોસાયટીના મેમ્બરો તેમની સોસાયટીના નવનિર્માણ માટે સરકારી ઑફિસોમાં સતત ચક્કર માર્યા પછી પણ તેમની સોસાયટીના પ્લૉટના સ્ક્વેર મીટર અચાનક સરકારી રેકૉર્ડ પર ઘટી જવાથી તેમનાં ઘર પાછાં મેળવવામાં નિષ્ફળ ગયા છે. મંગળવારે આ સોસાયટીના સભ્યોએ ઘટનાસ્થળે જઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને ઈશ્વરને વહેલી તકે તેમનાં ઘરો પાછાં મળે એ માટે પ્રાર્થના કરી હતી. આ સોસાયટીના નવનિર્માણની આશા આજે કોંકણ પ્રદેશના ઍડિશનલ કમિશનર સુનાવણી દરમ્યાન શું આદેશ આપે છે એના પર નિર્ભર કરે છે. આ સોસાયટીના સભ્યો અત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ભાંડુપમાં આપવામાં આવેલા ફ્લૅટોમાં રહે છે, પરંતુ તેમને પોતાનાં ઘરો પાછાં જોઈએ છે, જેના માટે તેઓ છ વર્ષથી સંઘર્ષમય લડત આપી રહ્યા છે. 

ઘટના શું બની હતી?
ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી સાંઈ સિદ્ધિ સોસાયટી ૧૯૮૩માં નિર્માણ પામી હતી. આ સોસાયટી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની હતી, જેમાં ૧૫ ફ્લૅટ-ઓનરોના પરિવારો રહેતા હતા. ૨૦૧૭માં શિવસેનાના સભ્ય સુનીલ શિતપ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદે રિનોવેશનની શરૂઆત કરવામાં આવી હતી. આ રિનોવેશન દરમ્યાન સુનીલ શિતપના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ત્રણેય ફ્લૅટના પિલરોને ખસેડી નાખવામાં આવ્યા હતા, જેને પરિણામે ૨૦૧૭ની ૧૭ જુલાઈએ આ સોસાયટીની ઇમારત અચાનક સવારે ૧૦.૨૦ વાગ્યે ધ્વંસ થઈ ગઈ હતી. એમાં ૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને અનેક લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. આ દુર્ઘટનામાં અમુક પરિવારોએ તેમના ઘરના એકમાત્ર કમાઉ મેમ્બરને ગુમાવ્યો હતો. આ સોસાયટીના છ પરિવારોએ તેમના પરિવારના બેથી વધુ સભ્યોને ગુમાવ્યા હતા. આ બધા જ પરિવારો મધ્યમ વર્ગના હતા. તેમણે તેમની જીવનભરની મૂડીમાંથી સાંઈ સિદ્ધિ સોસાયટીમાં ફ્લૅટ ખરીદ્યા હતા. આવા પરિવારો છેલ્લાં છ વર્ષથી તેમણે ગુમાવેલી જગ્યા અને ફ્લૅટને પાછા મેળવવા માટે કાયદાકીય લડત લડી રહ્યા છે. 

લડત કેમ લડી રહ્યા છે?
આ બાબતની માહિતી આપતાં આ સોસાયટીના રહેવાસી બીરેન્દ્ર શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરાની સબબર્ન કલેક્ટર ઑફિસના કોઈ અધિકારીની સાથે સાઠગાંઠ કરીને અમારા પ્લૉટનો અમુક ભાગ અન્ય ડેવલપરના નામે કરી દેવામાં આવ્યો હતો એટલે અમારી ખાલી પડેલી જગ્યાના સ્ક્વેર મીટર ઓછા થઈ ગયા હતા. અમારો ૪૯૦ સ્ક્વેર મીટરનો પ્લૉટ ઘટીને ૩૫૬ સ્ક્વેર મીટરનો સરકારી રેકૉર્ડ પર થઈ ગયો હતો. આ કોઈ નાની ગેમ નહોતી. આ ૨૦૦ કરોડ રૂપિયાની અમારી સોસાયટી સાથે થયેલી એક મોટી છેતરપિંડી હતી, જે અમે નવનિર્માણ માટે દોડવાની શરૂઆત કરી ત્યારે મે ૨૦૧૮માં પ્રકાશમાં આવી હતી. આ છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી દુર્ઘટનાના સમયે વચનોની લહાણી કરીને ગયેલા રાજનેતાઓએ અમને સાથ આપવામાં પીછેહઠ કરી દીધી છે.’

શું વચનો આપવામાં આવ્યાં હતાં?
સાંઈ સિદ્ધિ સોસાયટી ધ્વંસ થઈ ગઈ એ દિવસે મુલાકાતે આવેલા એ સમયના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ધરાશાયી થઈ ગયેલી ઇમારતના નવનિર્માણ માટેનો પ્લાન ૧૦ જ દિવસમાં મંજૂર થઈ જશે એમ જણાવીને બીરેન્દ્ર શર્માએ કહ્યું હતું કે ‘ત્યાર પછી અમને અમારા વિસ્તારના વિધાનસભ્ય રામ કદમે કહ્યું હતું કે એક વર્ષમાં અમારી ઇમારતનું નવનિર્માણ થઈ જશે. ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય પરાગ શાહે જાહેરાત કરી હતી કે તેઓ પોતાના ખર્ચે અમારી ઇમારતનું નવનિર્માણ કરી આપશે. જોકે અમારી જમીનનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી આ બધા જ નેતાઓ તેમનાં વચનોમાંથી પાછા હટી ગયા હતા. એટલું જ નહીં, તેઓ અમારી જમીન માટેની લડતમાં પણ અમારી સાથે નથી.’

આરટીઆઇથી આખો મામલો પ્રકાશમાં આવ્યો
આ બાબતની માહિતી આપતાં બીરેન્દ્ર શર્માએ કહ્યું હતું કે ‘અમે જ્યારે આરટીઆઇ કરી ત્યારે જાણકારી મળી કે અમારા પ્લૉટના સ્ક્વેર મીટર ૨૦૦૫ની સાલમાં જ સિટી સર્વે ઑફિસ અને કલેક્ટર ઑફિસના અધિકારીઓએ અન્ય ડેવલપરના પ્લૉટમાં વધારો કરીને ઘટાડી નાખ્યા હતા. એમાં અમારો પ્લૉટ ૪૯૦માંથી ૩૫૯ સ્ક્વેર મીટરનો બીજા ડેવલપરના ફાયદા માટે કરી નાખવામાં આવ્યો હતો, જેનાથી સોસાયટીના મેમ્બરો અજાણ હતા. ત્યાર પછી અમારા સંઘર્ષના દિવસોની શરૂઆત થઈ ગઈ છે જે આજ સુધી ચાલી રહી છે. અમે અમારી સાથે બનેલી માહિતી લઈને રાજનેતાઓની ઑફિસોમાં અને સરકારી કચેરીઓમાં લેખિત પત્રો લખીને પાગલ બનીને ચક્કર કાપી રહ્યા છીએ, પણ અમને આજ સુધી ન્યાય મળ્યો નથી કે નથી કોઈ ન્યાય મેળવવા માટે અમને સહકાર આપી રહ્યું.’

સિટી સર્વે ઑફિસે ભૂલ સ્વીકારી
સિટી સર્વે ઑફિસે સપ્ટેમ્બર ૨૦૧૮માં તેમની ઑફિસથી થયેલી ભૂલને સ્વીકારી હતી એમ જણાવીને બીરેન્દ્ર શર્માએ કહ્યું હતું કે ‘સિટી સર્વે ઑફિસે ભૂલ સ્વીકારી લીધી, પણ સ્ક્વેર મીટરને સુધારવા માટે અમને બાંદરાની કલેક્ટર ઑફિસમાં મોકલી દીધા હતા. અમારી અનેક ફરિયાદો પછી પ્લૉટનું ફરીથી મેઝરમેન્ટ તેમણે ૨૦૧૮ની ૨૫ સપ્ટેમ્બરે ર્ક્યું હતું. તેમને તેમની ભૂલનો અહેસાસ થયો હતો, પણ કલેક્ટર ઑફિસને આ ભૂલ સુધારવાની સત્તા હોવા છતાં અમને કોંકણ રીજનના ઍડિશનલ કમિશનર પાસે ૨૦૦૫ના કલેક્ટરના ઑર્ડરને રદ કરવા માટે મોકલી દીધા હતા. આમ કરવા પાછળનું કારણ એ હતું કે તેઓ તેમની ભૂલમાંથી છટકબારી શોધતા હતા. અમે એ દિવસથી કોંકણ રીજનની ઑફિસમાં ચક્કર મારીએ છીએ. કોઈ ને કોઈ કારણસર અમારી સુનાવણી વિલંબિત બની રહી છે. જોકે મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના એ સમયના વાઇસ પ્રેસિડન્ટ નસીમ ખાનની મધ્યસ્થીથી અમને એ સમયના મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાતનો સાથ મળ્યો હતો. તેમણે ઍડિશનલ કમિશનરને વહેલી તકે સુનાવણી કરીને મેરિટ પર આદેશ આપવા કહ્યું હતું.’

સંઘર્ષનો અંત આવ્યો નહોતો
કોવિડ પછી સરકારમાં પરિવર્તન થવાથી અમે હજી પણ રસ્તા પર અમારી જગ્યા માટે રઝળી રહ્યા છીએ, રખડી રહ્યા છીએ એમ જણાવીને બીરેન્દ્ર શર્માએ કહ્યું હતું કે ‘આવા સંઘર્ષમાં પથરા નાખવાવાળા પણ ઘણા આવી રહ્યા છે. અમારી સુનાવણી ૨૦૨૨ની પાંચમી એપ્રિલે પૂરી થઈ ગઈ છે અને ફક્ત આદેશ આપવાનો બાકી છે. આ દરમ્યાન અમને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેના સહકારથી મહેસૂલપ્રધાન બાળાસાહેબ વિખે-પાટીલે પણ અમારા અટકેલા આદેશને જલદી આપવા ઍડિશનલ કમિશનરને સૂચિત કર્યા હતા. તેમણે ૨૦૨૩ની ૧૮ માર્ચથી છ મહિનાની અંદર આદેશ આપવાનું કહેવામાં આવ્યું હતું.’

પ્રભુના ભરોસે છીએ 
હવે આજે અમે પ્રભુના ભરોસે છીએ એમ જણાવતાં બીરેન્દ્ર શર્માએ કહ્યું હતું કે ‘અમારા છ વર્ષના સંઘર્ષનો નિર્ણય આજે કોંકણ રીજનના ઍડિશનલ કમિશનર લેશે. અમારા જમીનના સ્ક્વેર મીટર સાથે જે ચેડાં થયાં છે એમાં તેઓ સુધારો કરી આપવાનો આદેશ આપશે એવી અમને પૂરી આશા છે, પ્રભુ પર શ્રદ્ધા છે.’

ghatkopar brihanmumbai municipal corporation shiv sena mumbai mumbai news rohit parikh