આ છ વૅનને કોઈ ઇમર્જન્સી નથી

09 October, 2012 05:09 AM IST  | 

આ છ વૅનને કોઈ ઇમર્જન્સી નથી



થોડાં વર્ષો પહેલાં સરકારી તિજોરીના ૧૦ કરોડ રૂપિયા ખર્ચીને છ જેટલી ઇમર્જન્સી મેડિકલ સર્વિસ (ઈએમએસ) વૅન મુંબઈ ફાયર-બ્રિગેડ દ્વારા ખરીદવામાં આવી હતી. શહેરની વિવિધ સુધરાઈ સંચાલિત હૉસ્પિટલની બહાર એ નકામી પડી રહી છે. દરેક વૅન માટે સવાર, બપોર તથા રાત માટે ત્રણ શિફ્ટમાં અલગ-અલગ ડ્રાઇવરો પણ રાખવામાં આવે છે. તેમને પણ કોઈ પણ જાતની કામગીરી વગર બેસવાનો જ પગાર મળે છે.

૨૦૧૨ની જાન્યુઆરી મહિનાથી નાયર, સાયન, રાજાવાડી, ભાભા તથા ભગવતી હૉસ્પિટલમાં પાંચ જેટલી વૅન રાખવામાં આવી છે; જ્યારે છઠ્ઠી વૅન આ તમામ હૉસ્પિટલ વચ્ચે ફેરા મારતી હોય છે. ફાયર-ડિપાર્ટમેન્ટના અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘આમ પણ ડિપાર્ટમેન્ટમાં ડ્રાઇવરોની અછત છે, જ્યારે આ વૅનદીઠ ત્રણ ડ્રાઇવરો રોકાયેલા રહે છે. લોકોનાં નાણાંનો આ વ્યય છે. દરેક ઈએમએસ વૅન પાછળ ડિપાર્ટમેન્ટે અંદાજે દોઢ કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે.’

આ ઈએમએસ વૅનમાં ઑક્સિજનનાં સિલિન્ડર્સ, વેન્ટિલેટર્સ તથા  ઇલેક્ટ્રૉકાર્ડિયોગ્રાફી (ઈસીજી) મશીનની સુવિધા છે જે કાર્ડિઍક ઇર્મજન્સી વખતે જીવ બચાવવાના કામમાં આવે છે. ડ્રાઇવરોના મતે હૉસ્પિટલના પૅરામેડિકલ સ્ટાફ ભાગ્યે જ એનો ઉપયોગ કરે છે. કોઈ વખત રેગ્યુલર વૅન નથી હોતી ત્યારે આ વૅનનો ઉપયોગ કરવામાં આવે છે.

ફાયર-ચીફનું શું કહેવું છે?

ફાયર-ચીફ એસ. વી. જોશીએ કહ્યું હતું કે ‘મંત્રાલય, મનીષ માર્કેટ તથા આકૃતિમાં લાગેલી આગની ઘટનામાં આ વૅનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આવું રોકાણ ક્યારેય ગેરવલ્લે જતું નથી. પૅરિફેરલ હૉસ્પિટલનાં ચીફ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. સીમા મલિકે કહ્યું હતું કે આ ઈએમએસ વૅનનો ઘણો ઉપયોગ થતો હોય છે.