ડાયમન્ડની ૫૮ કંપનીઓ ઊપડી ઑપેરા હાઉસથી બીકેસી તરફ

10 August, 2012 06:26 AM IST  | 

ડાયમન્ડની ૫૮ કંપનીઓ ઊપડી ઑપેરા હાઉસથી બીકેસી તરફ

 

 

(બકુલેશ ત્રિવેદી)

 

ઑપેરા હાઉસ, તા. ૧૦

 

આજના જન્માષ્ટમીના શુભ મુરત પર ઑપેરા હાઉસ-ડાયમન્ડ માર્કે‍ટના ૨૪ વેપારીઓ બીકેસી (બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ)માં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં શિફ્ટ થઈ રહ્યા છે, છ વેપારીઓ થોડા દિવસ પહેલાં શિફ્ટ થઈ ગયા છે અને ૨૮ વેપારીઓ આવતા એક મહિનાની અંદર ત્યાં જતા રહેવાના છે. આ કુલ ૫૮ વેપારીઓ બીકેસી શિફ્ટ થઈ રહ્યા છે એ બાબતની જાણ કરતાં બૅનર પણ ઑપેરા હાઉસ બજારમાં છેલ્લા થોડા દિવસથી લગાવવામાં આવ્યાં છે.

 

ગયા વર્ષે‍ ૧૩ જુલાઈએ ઑપેરા હાઉસ, ઝવેરી બજાર અને દાદરમાં બૉમ્બ-બ્લાસ્ટ થયા હતા. ત્યાર બાદ ઑપેરા હાઉસની કન્જસ્ટેડ, નાની ઑફિસો અને અસુરક્ષિત વિસ્તાર છોડી બીકેસીની મોટી અને વધુ સુરક્ષિત ઑફિસોમાં જવાનો પ્લાન વેપારીઓ બનાવવા માંડ્યા હતા. આથી જેમની જગ્યાઓ હતી તેમણે શિફ્ટ થવાનો પ્લાન બનાવ્યો હતો અને ફર્નિચરનું કામ શરૂ કરી દીધું હતું.

 

વર્ષોથી બીકેસીના ભારત ડાયમન્ડ બુર્સનો ઑપ્શન તો હતો જ, પણ ગયા વર્ષે‍ જે બ્લાસ્ટ થયા એ પછી ત્યાં જવાનો નર્ણિય લીધો એમ જણાવતાં હીરાકો ઇન્ડિયાના રાજેશ સુતરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડાયમન્ડના બિઝનેસમાં નાના વૉલ્યુમનો માલ પણ બહુ કીમતી હોય છે એટલે સિક્યૉરિટી તો જોઈએ જ. વર્ષોથી અહીં ધંધો કરીએ છીએ, પણ હવે રિસ્ક બહુ જ વધી ગયું છે. અહીં બિલ્ડિંગ નીચે ઊતરીએ એટલે એટલી ભીડ અને વાહનો હોય છે કે ગિરદીમાં કોઈ પણ ઘટના બની શકે, પાછી એ ઘટનાનું રિપીટેશન થઈ શકે. જ્યારે ભારત ડાયમન્ડ બુર્સમાં સુરક્ષાને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એટલે જ અમે ત્યાં શિફ્ટ થઈ રહ્યા છીએ. ૨૦ એકરના કૉમ્પ્લેક્સમાં ૩૭૫ સિક્યૉરિટી ગાર્ડ્સ અને ૨૪૦૦ સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા છે. વળી દરેક વ્યક્તિને બાયોમેટ્રિક આઇડેન્ટિટી કાર્ડ આપવામાં આવ્યું હોવાથી બહારની કોઈ પણ વ્યક્તિ પ્રૉપર ઓળખપત્ર વગર આવી ન શકે એથી સુરક્ષા જળવાઈ રહે. એટલે હવે શિફ્ટ કરવાનું નક્કી છે. છેલ્લા થોડાક દિવસથી ધંધો ઓછો કર્યો છે અને વેપારીઓને આમંત્રણ આપવામાં વધુ સમય ફાળવ્યો છે. જોકે અમે ૧૪ તારીખે ઓપનિંગ ગોઠવ્યું છે.’

 

મૂળ ભાવનગરના અને અહીં ઑપેરા હાઉસના જ્વેલ બિલ્ડિંગ (રૉક્સી)માં ઑફિસ ધરાવતા અને આજે શિફ્ટ થઈ રહેલા સૃષ્ટિ ડીઆમના ડાહ્યાભાઈ જીવાણીએ કહ્યું હતું કે ‘અમે અહીં જે ઑફિસમાં વર્ષોથી ધંધો કરી રહ્યા છીએ એના કરતાં ત્રણ ગણી મોટી

 

હવા-ઉજાસવાળી અને મૂળ તો સુરક્ષિત ઑફિસમાં શિફ્ટ થઈ રહ્યા છીએ. અમે તો છેલ્લા દોઢ મહિનાથી અમારી ઑફિસમાં બોર્ડ લગાવી રાખ્યું હતું કે અમે ૧૦ ઑગસ્ટથી બીકેસીમાં શિફ્ટ થઈ રહ્યા છીએ જેથી અમારી પાર્ટીઓ, દલાલભાઈઓ બધાને એની આગોતરી જ જાણ થઈ ગઈ છે. અમારી બે ઑફિસો મળી ૫૦ જણનો સ્ટાફ છે. અત્યાર સુધી નાની-નાની ઑફિસોમાં મૅનેજ કરી રહ્યા હતા, પણ બૉમ્બધડાકા પછી હવે બીકેસીમાં ધંધાને લગતી બધી જ સગવડો અને એ પણ સુરક્ષિતતા સાથે મળતી હોવાને કારણે ત્યાં શિફ્ટ થઈ રહ્યા છીએ. ઇમ્પોર્ટ-એક્સર્પોટ માટે કસ્ટમ્સ ક્લિયરિંગ, ચાર બૅન્ક, ટ્રેડિંગ હૉલ, કુરિયર સર્વિસિસ, મોટી ઑફિસ-સ્પેસ, ભરપૂર પાર્કિંગ, કૅફેટેરિયા અને લૅન્ડસ્કેપિંગ અને ફાઉન્ટનની સુવિધાઓ છે. વળી ઍરર્પોટથી પણ નજીક હોવાથી બહારગામની પાર્ટીઓને પણ આવવા-જવામાં સરળતા રહે અને સૌથી મોટું અહીં કૉર્પોરેટ કલ્ચર દેખાય છે, જેનો ઑપેરા હાઉસ માર્કે‍ટમાં અભાવ છે.’

 

આજે શિફ્ટ થઈ રહેલા એમ. બી. બ્રધર્સના લક્ષ્મણ દેસાઈએ કહ્યું હતું કે ‘માત્ર મોટી કંપનીઓ માટે જ ભારત ડાયમન્ડ બુર્સ છે એવું નથી, દલાલભાઈઓ માટે પણ અહીં વધુ સારી સગવડ છે. ડાયમન્ડ હૉલની સુવિધા પણ છે. એ ઉપરાંત સેફ ડિપોઝિટ વૉલ્ટ છે. સવારના ખાલી હાથે આવી દિવસભર વેપાર કરી સાંજે માલ વૉલ્ટમાં મૂકીને જઈ શકાય છે. વળી મુંબઈની મધ્યમાં આવેલું હોવાથી સેન્ટ્રલ અને વેસ્ટર્ન બન્ને લાઇનનાં સબબ્ર્સમાંથી આવતા વેપારીઓ માટે સરળતા રહે છે. બુર્સની પોતાની બસો છે જે દર ૨૦થી ૨૫ મિનિટે બાંદરા સ્ટેશનથી મળે છે. એ ઉપરાંત બાંદરાથી હવે તો શૅર-એ-રિક્ષા પણ મળે છે એટલે આવવા-જવાનો પણ પ્રfન નથી રહેતો. જો વ્યવસ્થિત સુરક્ષા અને જોઈતી સગવડ મળી રહેતી હોય તો શિફ્ટ થવામાં જ શાણપણ છે.’    

 

બુર્સના કમિટી મેમ્બર શું કહે છે?

 

ભારત ડાયમન્ડ બુર્સના કમિટી મેમ્બર અને મેઘના ડાયમન્ડના અમિત શાહે બુર્સની વધતી લોકપ્રિયતા વિશે કહ્યું હતું કે ‘અત્યારે ૨૧૩ કંપનીઓ બીકેસીમાંથી ઑપરેટ કરે છે. બુર્સમાં ૨૪૦૦ જેટલી ઑફિસો છે એ જોતાં આ સંખ્યા ઘણી ઓછી કહેવાય, પણ આજથી શરૂ કરીને અન્ય બાવન જેટલી કંપનીઓ શિફ્ટ થઈ રહી છે અને દિવાળી સુધી બીજી ૫૦ જેટલી કંપનીઓ શિફ્ટ થવાની શક્યતા છે. દેશના ટોટલ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ડાયમન્ડ બિઝનેસમાંથી ૫૭ ટકાનું વૉલ્યુમ માત્ર બીકેસીમાંથી થાય છે. આખા વલ્ર્ડમાં જાણીતી ડી બિયર્સની પેટાકંપની ડીટીસી (ડાયમન્ડ ટેÿડિંગ કંપની)ના દેશના ૨૮ સાઇટ-હોલ્ડર્સમાંથી ૧૬ સાઇટ-હોલ્ડર્સ ઑલરેડી બીકેસીમાં ઑફિસો ધરાવે છે. ૧૪ લાખ સ્ક્વેરફૂટ એરિયામાં ફેલાયેલી ઑફિસ-સ્પેસમાંથી અત્યારે ત્રણ લાખ સ્ક્વેરફૂટ એરિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. વેપારીઓ સહિત રોજ અંદાજે ૧૧,૦૦૦ લોકો ભારત ડાયમન્ડ બુર્સની મુલાકાત લે છે.’

 

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન