આક્રંદ અને આક્રોશ : ઘાટકોપરના ૫૪ વર્ષના ગુજરાતી ગૃહસ્થનું ટોઇંગ-વેનની અડફેટમાં મોત

04 November, 2011 02:53 PM IST  | 

આક્રંદ અને આક્રોશ : ઘાટકોપરના ૫૪ વર્ષના ગુજરાતી ગૃહસ્થનું ટોઇંગ-વેનની અડફેટમાં મોત

 

 

(રોહિત પરીખ)

ઘાટકોપર, તા. ૪


ત્યાર બાદ ટોઇંગ-વૅનના ડ્રાઇવર ઇમરાન અને તેની સાથે બેઠેલા ટ્રાફિક-હવાલદાર અરુણ કદમનું મેડિકલ થાય એવી માગણી સાથે લોકઆંદોલન થયું હતું એટલું નહીં, જનઆંદોલનની પરિસ્થિતિ અને લોકોના આક્રોશને નિહાળતાં સાંજે ૬.૩૦ વાગ્યે નીકળેલી કીર્તિ મહેતાની સ્મશાનયાત્રાને પોલીસ-બંદોબસ્ત હેઠળ કાઢવાની પંતનગર પોલીસને ફરજ પડી હતી. આ સ્મશાનયાત્રા વખતે ઘાટકોપર (ઈસ્ટ)માં સ્ટેટ રિઝવ્ર્ડ પોલીસ સાથે ૨૦૦૦ પોલીસો ખડેપગે ઊભા હતા.


કીર્તિ મહેતાના મોતે ટ્રાફિક-પોલીસમાં ચાલતી પોલંપોલને ખુલ્લી પાડી દીધી છે. નંબરપ્લેટ વગરની ટોઇંગ-વૅન અને હજી સુધી મૂછનો દોરો પણ ઊગ્યો નથી તેવા ડ્રાઇવરના હાથમાં ટોઇંગ-વૅન આપીને ટ્રાફિક-પોલીસે રસ્તે ચાલ્યા જતા કીર્તિ મહેતાનો જીવ લેતાં ઘાટકોપરના લોકોમાં રોષની લાગણી પ્રગટી હતી. એટલું નહીં, જ્યાં સુધી ટોઇંગ-વૅનના ડ્રાઇવરને અને તેની બાજુમાં બેઠેલા ટ્રાફિક-હવાલદારને ઘટનાસ્થળે નહીં લાવવામાં આવે અને તેમના પર ૩૦૨ની કલમ નહીં લગાડવામાં આવે તથા બન્નેનું મેડિકલ કરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસની આગળની કોઈ જ કાર્યવાહી નહીં થાય એવી માગણી સાથે ઘાટકોપરના બીજેપીના વિધાનસભ્ય પ્રકાશ મહેતા, ઘાટકોપરના ગુજરાતી નગરસેવક પ્રવીણ છેડા અને મહાનગરપાલિકાના ઇમ્પ્રૂવમેન્ટ કમિટીના ચૅરમૅન અને સ્થાનિક નગરસેવક ભાલચન્દ્ર શિરસાટ લોકોની સાથે ઘટનાસ્થળે રસ્તો રોકીને બેસી ગયા હતા. આમ છતાં પોલીસે નિરાંતે કાર્યવાહી કરતાં લોકોનો આક્રોશ વધી ગયો હતો અને તેમણે ટોઇંગ-વૅનની પહેલાં તોડફાડ કરી હતી અને ત્યાર બાદ એને આગ લગાડી દીધી હતી.

 

 

નજરે જોયેલી ઘટના

કીર્તિ મહેતાના ઍક્સિડન્ટને નજરે નિહાળનાર પ્રજ્ઞેશ જોશીએ ‘મિડે-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૦.૧૫ વાગ્યે ઘાટકોપર સ્ટેશન તરફથી આર. બી. મહેતા રોડ પર ફુલ સ્પીડમાં આવી રહેલી એક નંબરપ્લેટ વિનાની ટોઇંગ-વૅને પહેલાં આ રોડ પર આવેલા આરાધના દેરાસરની સામેની બાજુએ ઊભેલા એક ટેમ્પોને પાછળથી ટક્કર મારી હતી. ત્યાર પછી આ ટોઇંગ-વૅને એ જ સ્પીડમાં દામજી શામજી ચોકથી વલ્લભબાગ લેન ઑડિયન તરફ જવાના રસ્તા પર ટર્ન મારતાં એ સમયે ત્યાં ઊભેલા કીર્તિ મહેતા સાથે અથડાતાં તેમના માથાનો ડાબો ભાગ (ખોપરી) છૂટો પડી ગયો હતો અને તાત્કાલિક તેમનું મોત થયું હતું. આ ટોઇંગ-વૅન એટલીબધી સ્પીડમાં હતી કે વલ્લભબાગ લેન પરના રત્ના સ્ટોર્સમાં કોલગેટની ડિલિવરી આપવા રોડ પર ઊભેલા ટેમ્પો સાથે અથડાતાં એનો થોડો ભાગ રસ્તા પરથી બાજુની ફૂટપાથ પર જતો રહ્યો હતો. અકસ્માત બાદ હજી પબ્લિક કાંઈ સમજેવિચારે એ પહેલાં આ ટોઇંગ-વૅનમાં બેઠેલો હવાલદાર અરુણ કદમ અને ડ્રાઇવર ઇમરાન ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. નવાઈની વાત એ હતી કે અકસ્માતના થોડા સમયમાં જ પંતનગરપોલીસ ત્યાં હાજર થઈ ગઈ હતી અને કોઈ પણ જાતનું પંચનામું કર્યા વગર ત્યાંથી કીર્તિ મહેતાને પોલીસવૅનમાં નાખીને રાજાવાડી હૉસ્પિટલ લઈ ગઈ હતી.’

વાતાવરણ તંગ


પંતનગરપોલીસે પંચનામું કર્યા વગર કીર્તિ મહેતાની બૉડી ઘટનાસ્થળેથી તાત્કાલિક શા માટે હટાવી લીધી એની તપાસની માગણી કરવામાં આવી હતી. આમ છતાં પોલીસે લોકોની માગણી ન સ્વીકારતાં લોકોએ પહેલાં તો આર. બી. મહેતા રોડ પર બેસ્ટની બસ અટકાવીને એના પર હુમલો કરવાનો પ્રયાસ કયોર્ હતો જેને પ્રકાશ મહેતા અને પ્રવીણ છેડાએ અટકાવ્યો હતો. જોકે ત્યાર બાદ લોકોએ તરત જ જે ટોઇંગ-વૅનને લીધે કીર્તિ મહેતાનું મૃત્યુ થયું હતું એની પહેલાં તોડફોડ કરી હતી. એ વખતે પોલીસે લોકો પર રોફ જમાવવાનો પ્રયાસ કરતાં લોકોનો આક્રોશ ઑર વધ્યો હતો અને તેમણે ટોઇંગ-વૅનને આગ લગાડી દીધી હતી. એને લીધે લોકો પર પોલીસે હાથ ઉપાડવાની કોશિશ કરતાં લોકોએ પોલીસને ધક્કે ચડાવી દીધી હતી. એ જ સમયે ત્યાં આવેલા એક ટ્રાફિક-પોલીસે લોકો પર પગલાં લેવાની વાત કરતાં લોકોમાં વધુ ઉશ્કેરાટ ફેલાયો હતો.

હૉસ્પિટલમાં શું બન્યું?


બીજી બાજુ કીર્તિ મહેતાના કુટુંબીજનોએ રાજાવાડી હૉસ્પિટલમાં જ્યાં સુધી ડ્રાઇવર અને હવાલદાર બન્નેનું મેડિકલ ચેકિંગ નહીં થાય ત્યાં સુધી કીર્તિ મહેતાના પોસ્ટમૉર્ટમની કાર્યવાહી રોકી દીધી હતી. સવારે ૧૦.૩૦ વાગ્યે અકસ્માતમાં મૃત્યુ પામેલા કીર્તિ મહેતાનું પોસ્ટમૉર્ટમ છેક સાંજે ૪.૩૦ વાગ્યે થયું હતું. એ પહેલાં સાયન હૉસ્પિટલમાં મેડિકલ માટે લઈ જવામાં આવેલા ડ્રાઇવર અને હવાલદારને બપોરે ૩.૩૦ વાગ્યે ફરીથી રાજાવાડી હૉસ્પિટલમાં લાવ્યા બાદ અને તેમનું ટેસ્ટિંગ કર્યા બાદ જ તેમનાં સગાંસંબંધીઓએ પોસ્ટમૉર્ટમ માટે પરવાનગી આપી હતી. તેમનું પોસ્ટમૉર્ટમ પૂરું થયા બાદ સાંજે ૬.૩૦ વાગ્યે વલ્લભબાગ લેનમાં આવેલા આનંદ મિલન બિલ્ડિંગમાંથી પોલીસબંદોબસ્ત વચ્ચે સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ઘાટકોપરના અનેક અગ્રણી રાજકારણીઓ અને સામાજિક કાર્યકરો જોડાયા હતા.


પુત્રીનાં લગ્ન થવાનાં હતાં


કીર્તિ મહેતાના કુટુંબમાં તેમનાં પત્ની જયશ્રીબહેન અને પુત્રી કૃતિ છે. તેમની મોટી પુત્રી કિંજલ પરણેલી છે અને તે મલાડમાં રહે છે. નાની પુત્રી કૃતિની સગાઈ ૨૨ ઑક્ટોબરે ધામધૂમથી ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલા લાયન્સ કમ્યુનિટી હૉલમાં કરવામાં આવી હતી. તેનાં લગ્ન ૧૯ જાન્યુઆરીએ નક્કી કર્યા હોવાથી બુધવારે ઘાટકોપરમાં યોજાયેલા એક ફૂડ-મેળામાં તેઓ મેનુ નક્કી કરવા ગયા હતા.


રૂમાલ ભૂલ્યા ને અનહોની થઈ


કીર્તિ મહેતાના કઝિન પ્રકાશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કીર્તિ મહેતા ઘાટકોપરના પ્રતિષ્ઠિત બિલ્ડર ડી. કે. પટેલમાં અકાઉન્ટન્ટની નોકરી કરતા હતા. તેઓ પાંચ ભાઈઓ છે એમાં કીર્તિનો ચોથો નંબર હતો. કીર્તિ રોજિંદા ક્રમ પ્રમાણે સવારે ૯.૪૫ વાગ્યે ઘરેથી નીકળી ચાલતો આર. બી. મહેતા માર્ગ પર આવેલા આરાધના દેરાસરમાં દર્શન કરવા જાય. ગઈ કાલે પણ તેના રોજિંદા કાર્યક્રમ મુજબ તે દર્શન કરીને રૂમાલ ભૂલી ગયો હતો એટલે વલ્લભબાગ લેન પર આવેલા રત્ના સ્ટોર્સની સામે કોઈ રૂમાલ આપી જાય એ વિચારીને રસ્તા પર ઊભો હતો એ જ સમયે તેની સાથે ટોઇંગ-વૅન અથડાઈ હતી, જેને લીધે ખોપરી ફાટી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.’
ટ્રાફિક-પોલીસની દાદાગીરી
ઘાટકોપરના ગુજરાતી નગરસેવક પ્રવીણ છેડાએ ગઈ કાલની અકસ્માતની ઘટના પછી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં સિગ્નલ હોવા છતાં ટ્રાફિક-પોલીસ ગુજરાતી લોકોને ટાર્ગેટ બનાવવા સિગ્નલ બંધ કરી દઈને બકરો ક્યારે ફસાય એની રાહ જોતા ઊભા હોય છે. ટોઇંગ-વૅન માટે હજી બુધવારે ફરિયાદ મળી હતી કે મહાત્મા ગાંધી રોડ પરના સંપટ સ્ટોર્સ પાસે પાર્કિંગ માટે ઊભેલી ગાડીઓને ટો કરવા માટે અચાનક નો-પાર્કિંગનું બોર્ડ લગાડીને અનેક કાર-ઓનર પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી.’