શહેરમાં દહીહંડીની ઉજવણી ફિક્કી રહી એકનું મોત, એકાવન ઘાયલ

25 August, 2019 10:01 AM IST  |  મુંબઈ

શહેરમાં દહીહંડીની ઉજવણી ફિક્કી રહી એકનું મોત, એકાવન ઘાયલ

શહેરમાં દહીહંડીની ઉજવણી- તસવીર: અતુલ કાંબળે.

રાજ્યમાં પૂરની સ્થિતિને લીધે મોટાં દહીહંડી મંડળો અને નેતાઓએ આ વખતે આયોજન રદ કર્યા હોવા છતાં મુંબઈ અને થાણેમાં ગોવિંદા મંડળો ભારે ઉત્સાહથી મટકી ફોડવા નીકળ્યા હતા. મોટા ભાગનાં મંડળોએ માટલી ફોડવા બદલ મળેલા ઈનામની રકમ પૂરગ્રસ્તોની મદદ માટે આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. માટલી ફોડવાના પ્રયાસમાં ઉપરથી નીચે પટકાવાના બનાવોમાં ૧નું મોત થવાન‌ી સાથે ૫૧ ગોવિંદાઓને ઈજા થતાં એમને ‌શહેરની વિવિધ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહેરભરમાં ઊજવાતા આ તહેવાર નિમિત્તે કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે ૪૦ હજાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત કરાયો હતો. દાદરમાં ઊંચે બાંધવામાં આવેલી એક માટલી ફોડવાનો પ્રયાસ કરી રહેલું એક ગોવિંદા મંડળ. 

આ પણ વાંચો : સોશ્યલ મીડિયા માટે પાલિકા રોજ વેડફશે 60 હજાર રૂપિયા

પાંચમા થરથી પટકાતાં ગોવિંદા મૃત્યુ પામ્યો

મુંબઈ અને થાણે સહિત ગઈ કાલે દહીહંડીની ઉજવણી કરાઈ હતી ત્યારે રાયગડમાં એક ગોવિંદા પાંચમા થરથી પટકાતાં એનું મૃત્યુ થવાથી ગમગીની છવાઈ ગઈ હતી. રાયગડના મ્હસળ તાલુકાના ખરસઈ ગામની ઘટનામાં ૨૫ વર્ષના અર્જુન ખોત નામના યુવકે માટલ‌ી ફોડવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો હતો. અર્જુન ગામમાં ઊંચે બાંધવામાં આવેલી મટકી ફોડવાનો પ્રયાસ કરતી વખતે પોતાના ગોવિંદા મંડળ દ્વારા ઊભા કરાયેલા પિરામિડમાં પાંચમા થર પર હતો ત્યારે નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news janmashtami