એક ચેઇન-સ્નૅચર પાછળ ૫૦૦૦ પોલીસ

05 October, 2011 08:59 PM IST  | 

એક ચેઇન-સ્નૅચર પાછળ ૫૦૦૦ પોલીસ



વિનય દળવી

મુંબઈ, તા. ૫

કારણ કે ટાર્ગેટ હતાં ઍડિશનલ કમિશનર ઑફ પોલીસનાં પત્ની: ૨૦ પોલીસ-સ્ટેશનોના જવાનો કામે લાગ્યા

કૈસર ખાલિદ પહેલાં ડેપ્યુટી પોલીસ-કમિશનરના હોદ્દા પર ર્પોટ ઝોનમાં કાર્યરત હતા અને તેમને પ્રમોશન આપીને ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ તરીકે ઈસ્ટ રીજનમાં મૂકવામાં આïવ્યા છે. તેમના હાથ નીચે ૧૬ પોલીસ-સ્ટેશન છે જેમાં ચેમ્બુર, મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી અને ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનનો સમાવેશ છે. આ ઘટનાક્રમ વિશે વાત કરતાં શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મૅડમને જ્યારે ખ્યાલ આવ્યો કે અજાણ્યો રાહદારી તેમની ચેઇન ઝૂંટવવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે તેમણે મદદ મેળવવા માટે બૂમ પાડવા માંડી. ચેઇન-સ્નૅચરને લાગ્યું કે તે ઝડપાઈ જશે એટલે ચેઇન પડતી મૂકીને ભાગી ગયો.’

જોકે પછી સુમનાએ પતિને આ ઘટનાની જાણ કરીને શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં એની ફરિયાદ લખાવી હતી. પોલીસે આ ફરિયાદની વિગતો નોંધી લીધી હતી અને હવે આરોપીની શોધ આરંભી દીધી છે. આ ચેઇન-સ્નૅચરને શોધવા માટે આખા સેન્ટ્રલ રીજનમાં આવેલાં વીસ પોલીસ-સ્ટેશનોના તમામ કર્મચારીઓને ખડેપગે કરવામાં આવ્યા છે. આ ઘટનાના ચોવીક કલાકની અંદર જ ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (સેન્ટ્રલ રીજન) વિનીત અગ્રવાલે ઓછામાં ઓછી ત્રણ મીટિંગ લીધી છે. ઘટનાના બે જ કલાકમાં તેઓ તેમના વિસ્તારના બધા ડિટેક્શન ઑફિસરોને મળ્યા હતા અને તેમને પોલીસના રેકૉર્ડમાં હોય એવા આ વિસ્તારના તમામ ચેઇન-સ્નૅચરોની યાદી બનાવવા જણાવ્યું હતું.

બીજા દિવસે અગિયાર વાગ્યે વિનીત અગ્રવાલ પોતે દાદર પોલીસ-સ્ટેશન ગયા હતા અને ત્યાં તેમણે બધા સિનિયર અધિકારીઓને તેમના વિસ્તારમાં વધી રહેલી ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓ વિશે ઠપકો આપ્યો હતો. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે જરૂરી પગલાંઓની ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બધા ઑફિસરોએ તેમની પાસે ઉપલબ્ધ રેકૉર્ડ સાથે સાંજે ચાર વાગ્યે આ મુદ્દાને કારણે થયેલી મીટિંગમાં પણ હાજરી આપી હતી.

શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં એક વર્ષમાં લગભગ ૬૦થી ૬૫ જેટલી ચેઇન-સ્નૅચિંગની ફરિયાદ નોંધાય છે જેમાંથી ૩૦ ટકા જેટલા કેસમાં આરોપી મળી આવે છે. આ મુદ્દે વાત કરતાં શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. એક ચેઇન ખેંચવાને કારણે ચેઇન-સ્નૅચરને ઓછામાં ઓછી ૫૦,૦૦૦ રૂપિયાની આવક થાય છે જે સરેરાશ એક અપર મિડલ ક્લાસની મહિનાની આવક છે. વળી આમાં બહુ આવક હોવાને કારણે ખિસ્સાકાતરુઓએ પણ એમાં ઝુકાવ્યું છે. આના કારણે ભૂતકાળમાં રેકૉર્ડ ન હોય એïવા ચેઇન-સ્નૅચરને શોધવાનું કામ બહુ અઘરું બની જાય છે.’

વિનીત અગ્રવાલે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે એ વાત સાચી છે કે સુમનાએ શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને આ મુદ્દે અમે તપાસ કરી રહ્યા છીએ. જોકે કૈસર ખાલિદે આ વિશે કંઈ પણ કહેવાનું મુનાસિબ નહોતું માન્યું.