કોરોનાના નિયમોને કોરાણે મૂકીને બર્થ-ડે મનાવવા બદલ ૫૦૦ જણ સામે ફરિયાદ

20 February, 2021 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાના નિયમોને કોરાણે મૂકીને બર્થ-ડે મનાવવા બદલ ૫૦૦ જણ સામે ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલી (ઈસ્ટ)ના દેસલપાડામાં એક ઓપન ગ્રાઉન્ડમાં ૧૮ ફેબ્રુઆરીએ બીજેપીના સ્થાનિક નેતાની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું,. એમાં ભાગ લેનાર ૫૦૦ લોકોએ કોવિડના નિયમો પાળ્યા નહોતા એને ધ્યાનમાં લેતાં પાલિકાના અધિકારીઓએ માનપાડા પોલીસ-સ્ટેશનમાં ૫૦૦ લોકો વિરુદ્ધ કોવિડના નિયમોનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલમાં એકેય આરોપીની ધરપકડ થઈ નથી.

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી)એ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘દેસલપાડાના એક ઓપન ગ્રાઉન્ડમાં બીજેપીના સ્થાનિક નેતા સંદીપ માલીના જન્મદિવસની પાર્ટી ૧૭મીની મઘરાત બાદ કરવામાં આવી હતી. કેડીએમસીના વૉર્ડ-ઑફિસર અક્ષય ગુડગેને ફરિયાદ મળી હતી કે માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટસ્ટિંગ જાળવવા જેવા કોરોનાવાઇરસનાં ધારાધોરણોનું પાલન કર્યા વિના જન્મદિવસ ઊજવવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. એ દરમ્યાન પાલિકાના અધિકારીઓએ એ પરિસરની મુલાકાત લીધી હતી અને માનપાડા પોલીસ-સ્ટેશનમાં બર્થ-ડે બૉય સંદીપ માલી અને હાજર લોકો સહિત આશરે ૫૦૦ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’

માનપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દાદાહરિ ચોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ લોકો સામે આઇપીસીની કલમ ૨૬૯ અને ૨૭૦ ( એવું કૃત્ય જેના લીધે જીવલેણ ચેપી રોગનો ફેલાવો થવો), ૧૮૮ (સરકારી આદેશનો ભંગ) અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ કન્ટ્રોલ ઍક્ટની કલમો હેઠળ એફઆઇઆર નોંધ્યો છે. જોકે હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai mumbai news coronavirus covid19 dombivli