કોરોનાની સાઇડ ઇફેક્ટઃ દહિસર ચેકનાકા પરના ૫૦ ટકા બાર બંધ

14 January, 2022 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાની નેગેટિવ બાજુની સાથે પૉઝિટિવ બાજુ પણ બહાર આવી છે. મોટી સંખ્યામાં મુંબઈની મહિલાઓની ફરિયાદ રહી છે કે દહિસર ચેકનાકા પર આવેલા બાર બંધ થઈ જવા જોઈએ

કોરોનાની સાઇડ ઇફેક્ટઃ દહિસર ચેકનાકા પરના ૫૦ ટકા બાર બંધ


મુંબઈ: કોરોનાની નેગેટિવ બાજુની સાથે પૉઝિટિવ બાજુ પણ બહાર આવી છે. મોટી સંખ્યામાં મુંબઈની મહિલાઓની ફરિયાદ રહી છે કે દહિસર ચેકનાકા પર આવેલા બાર બંધ થઈ જવા જોઈએ, કારણ કે લોકોનો એ અડ્ડો બની ગયો છે અને એણે કેટલાય લોકોના ઘર પણ ભાંગ્યા છે. જોકે કોરોનાને કારણે ધંધો ન થવાને લીધે ૫૦ ટકા જેટલા બાર બંધ થઈ ગયા છે, એમ ખુદ કાશીમીરા પોલીસનું કહેવું છે.
કાશીમીરા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડાન્સ બાર જેવું હવે કશું નથી. લેડીઝ સર્વિસ અને ઑર્કેસ્ટ્રા હોય છે. એમાં પણ ટોટલ ચાર સિંગર્સ હોય જે લાઇવ ગાતા હોય એ જરૂરી છે, ટેપ પર ગીત વગાડી એના પર ડાન્સ થઈ શકતો નથી. જોકે હાલ કોરોનાને કારણે કસ્ટમરો આવવાની સંખ્યા ઘટી ગઈ છે અને અમે પણ સતત કાર્યવાહી કરતા હોઈએ છીએ. વળી બારને લગતા નિયમો ઉપરાંત કોવિડના નિયમોનું પાલન પણ થાય છે કે નહીં એના પર અમારી નજર હોય છે, એથી દહિસર ચેકનાકા પરના ૫૦ ટકા જેટલા બાર બંધ થઈ ગયા છે. અમે મુખ્યત્વે લેડીઝ સર્વિસ હોય તો એ રાતના ૯.૩૦ વાગ્યા સુધી જ અલાઉડ છે. બીજું, લેટ નાઇટ બાર ન ચાલવા જોઈએ. ત્રીજું, ટેપ વગાડી એના પર અશ્લીલ ચેનચાળા ન થવા જોઈએ. બારમાં કામ કરનાર દરેકે કોવિડના બે ડોઝ લીધા હોવા જોઈએ. આ બધી જ બાબતોની અમે કડક ચકાસણી કરીએ છીએ. એટલું જ નહીં, જો નિયમોનો ભંગ થતો જણાય તો કાર્યવાહી પણ કરાય છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં અમે કુલ ૨૩ કાર્યવાહી કરી છે. અશ્લીલ ચેનચાળા માટેની કલમ ૨૯૪ અંતર્ગત પણ ગુના નોંધવામાં આવ્યા છે. કેટલાક કેસમાં અમે ડાયરેક્ટ માલિક પર પણ ગુનો નોંધીએ છીએ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને જાણ કરી બારનું લાઇસન્સ કૅન્સલ કરવા પ્રસ્તાવ મોકલીએ છીએ. જ્યારે અન્ય કેસમાં ઑર્કેસ્ટ્રાના નિયમોનો, કોવિડના નિયમોનો લેટ નાઇટ બાર ચાલુ રાખી ભંગ થતો હોય તો ડીસીપી હેડ ક્વૉર્ટરને બારનું લાઇસન્સ રદ કરવા જણાવીએ છીએ જેમાં અમે પકડેલા લોકોનાં સ્ટેટમેન્ટ સાથે અમારી કાર્યવાહી અને તપાસનો રિપાર્ટ પણ જોડતા હોઈએ છીએ. છેલ્લાં બે વર્ષથી અમે સતત કાર્યાવાહી ચાલુ રાખી હોવાથી ૫૦ ટકા જેટલાં બાર ઍન્ડ રેસ્ટોરાં બંધ થઈ ગયાં છે. જો નિયમોના પાલન સાથે બાર ઓપરેટ થાય તો અમને કશો વાંધો નથી, પણ જો નિયમોનો ભંગ થશે તો કાર્યવાહી થશે જ.’ 
બહારગામના કસ્ટમરોની માહિતી આપતાં કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતના ઘણા ધંધાવાળા અહીં આવે છે. દિવસના સમયે ધંધાનું કામ પતાવી રાતે દહિસર ચેકનાકા પાસેના બાર ઍન્ડ રેસ્ટોરાંમાં તેઓ આવતા હોય છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં મુંબઈના એવા વેપારીઓ અહીં આવતા હોય છે જેમને પોતાના એરિયાના બારમાં જાય તો કોઈ જોઈ જવાનો ડર લાગતો હોય છે. દહિસર ચેકનાકાના બારમાં આવા લોકોની સંખ્યા પણ સારી એવી હોય છે. આ સિવાય મુંબઈના વેપારીઓ પણ તેમના બહારગામથી આવેલા ગ્રાહકોને અહીં ટ્રીટ આપતા હોય છે.’

mumbai mumbai news coronavirus