શિવસેનાના નેતાના મર્ડર બાદ દિંડોશી પોલીસ-સ્ટેશનના પાંચ અધિકારીઓની ટ્રાન્સફર

24 October, 2014 06:12 AM IST  | 

શિવસેનાના નેતાના મર્ડર બાદ દિંડોશી પોલીસ-સ્ટેશનના પાંચ અધિકારીઓની ટ્રાન્સફર



મલાડ (ઈસ્ટ)માં મંગળવારે રાત્રે શિવસેનાના લીડર રમેશ જાધવના મર્ડર બાદ તણાવગ્રસ્ત વાતાવરણ વચ્ચે દિંડોશી પોલીસ-સ્ટેશનના પાંચ ઑફિસરોની પોલીસ-કમિશનર રાકેશ મારિયાએ બદલી કરી નાખી છે. આ મર્ડર-કેસમાં પકડાયેલા આરોપીઓના ક્રિમિનલ રેકૉર્ડ્સ હોવા છતાં પોલીસે કોઈ જ પગલાં નહોતાં લીધાં એવી બેદરકારીનાં કારણોસર આ બદલીઓ કરવામાં આવી છે. પાંચેય પોલીસ-ઑફિસરોને હવે લોકલ આમ્ર્સ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેમાં મોટા ભાગે તેમને બંદોબસ્ત સહિતની ડ્યુટી કરવાની રહેશે.

મલાડ (ઈસ્ટ)માં દિંડોશી પોલીસ-સ્ટેશનની હદમાં ખોતડોંગરી વિસ્તારની ગંગારામ ચાલમાં રમેશ જાધવનું તેમના ઘરમાં ઘૂસીને પાંચ આરોપીઓએ મર્ડર કર્યું હતું. મંગળવારે સાંજે પાડોશમાં રહેતી એક મહિલા સાથે મારપીટ કરી રહેલા આરોપીઓની સામે રમેશ જાધવે અવાજ ઉઠાવતાં તેમનું મર્ડર થયાનો કેસ નોંધાયો હતો. પોલીસે બુધવારે આ કેસમાં ૧૭ વર્ષના એક ટીનેજર સહિત એક જ પરિવારના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

મંગળવારે રાત્રે આ મર્ડરના સમાચાર ફેલાયા બાદ શિવસૈનિકો એકઠા થયા હતા અને કેટલાંક વેહિકલ્સના કાચ ફોડી નાખ્યા હતા અને દિવાળીના તહેવારોમાં આ એરિયામાં ટેન્શન વધી જતાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બુધવારે જાતમાહિતી લેવા પહોંચેલા પોલીસ-કમિશનર રાકેશ મારિયા પોતે મધરાત સુધી દિંડોશી પોલીસ-સ્ટેશનમાં બેઠા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી હતી. અધિકારીઓએ દોડધામ કરીને આરોપીઓની ધરપકડ કર્યા બાદ જ તેઓ ઘરે ગયા હતા.

રાકેશ મારિયાએ જે પોલીસ-અધિકારીઓની બદલી કરી છે એમાં અસિસ્ટન્ટ કમિશનર રાજેન્દ્ર કોટક, દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ ડફલે, ઇન્સ્પેક્ટર અજુર્ન રાજાણે, અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પિતળે અને સબ-ઇન્સ્પેક્ટર ખૈરનારનો સમાવેશ છે.

મુંબઈ પોલીસના પ્રવક્તા અને ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ધનંજય કુલકર્ણીએ આ બદલીઓના ઑર્ડર ફાટ્યા હોવાની પુષ્ટિ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મર્ડર-કેસમાં જે રીતે પગલાં લેવામાં આવવાં જોઈએ એ પ્રમાણે કામગીરી થઈ ન હોવાથી આ પોલીસ-અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમના પર એવો આક્ષેપ પણ છે કે આ અધિકારીઓ પોતાના વિસ્તારોમાં થતી હિલચાલો પર બરાબર ધ્યાન આપતાં ન હોવાથી આ મર્ડર થયું છે.

એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘પોલીસે આ મર્ડર-કેસમાં જે પાંચ આરોપીને પકડ્યા છે તેમાં સોહેલ અન્સારી, ઇમરાન સાજિદા, ગુલ્લુ સાજિદા, યુસુફ સાજિદા અને ૧૭ વર્ષનો એક માઇનર છે. ગુલ્લુ જાણીતો ક્રિમિનલ છે અને જો તેની સામે પ્રિવેન્ટિવ ઍક્શન લેવામાં આવી હોત તો કદાચ રમેશ જાધવનું મર્ડર થાત જ નહીં. આ ઘટના વખતે સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ ડફલે રજા પર હતા અને બાકીના અધિકારીઓ મર્ડર થયા બાદની પરિસ્થિતિ સમયસર નિયંત્રણમાં નહોતા લઈ શક્યા. મર્ડરની રાત્રે જ શિવસેના સહિતની પૉલિટિકલ પાર્ટીઓના કાર્યકરોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસ-સ્ટેશનનો ઘેરાવ કરીને આરોપીઓને પકડી લેવાની માગણી કરી હતી.’