મુંબઈ-પુણે હાઇવે પર ટ્રક પાંચ યુવકોને ભરખી ગઈ

03 March, 2020 10:10 AM IST  |  Mumbai Desk

મુંબઈ-પુણે હાઇવે પર ટ્રક પાંચ યુવકોને ભરખી ગઈ

મુંબઈ-પુણે હાઇવે પર જીવલેણ બનેલી ટ્રક.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે તરફના અંડા પૉઇન્ટ પર રવિવારે રાત્રે એક ટ્રકે રસ્તાની બાજુએ ઊભેલા પાંચ યુવકોને કચડી નાખતાં તેમનાં મોત નીપજ્યાં હતાં. એક યુવક થોડે દૂર હોવાથી તે બચી ગયો હતો.

રવિવારે રાતે સાડાદસ વાગ્યે આ જીવલેણ અકસ્માત થયો હતો. તળેગાવ એમઆઇડીસીમાં કામ કરતા ૬ યુવકો ત્રણ બાઇક લઈને અલીબાગ ફરવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેઓ ખોપોલી બોર ઘાટ ખાતેના અંડા પૉઇન્ટ પર પેશાબ કરવા માટે રોકાયા હતા. આ સમયે પુણે તરફથી આવી રહેલી એક ટ્રક પલટી ખાઈ જતાં એ ત્રણેય મોટરસાઇકલ પર પડી હતી.

આ ગંભીર અકસ્માતમાં ચાર યુવકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે એક યુવકનું હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું. જોકે એ વખતે ૩૫ વર્ષનો બાલાજી હરિશ્ચંદ્ર ભંડારે થોડે દૂર હોવાથી તે બચી ગયો હતો. તમામ યુવકો લાતુર જિલ્લાના અહમદપુર તાલુકાના વંજારીવાડી ગામના વતની હતા.

બોર ઘાટ હાઇવે પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘વળાંક વખતે ઝડપથી આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવતાં એ પલટી ખાઈ ગઈ હતી. ટ્રક સાથે એમાં રાખેલા સામાનની નીચે યુવાનો કચડાઈ ગયા હતા. ટ્રક-ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. મૃત્યુ પામનારાઓમાં ૩૮ વર્ષના પ્રદીપ પ્રકાશ ચોલે, ૩૦ વર્ષના અમોલ બાલાજી ચિલમે, ૨૮ વર્ષના નારાયણ રામ ગુંડાળે, ૨૮ વર્ષના ગોવિંદ જ્ઞાનોબા નલાવડે અને ૨૮ વર્ષના નિવૃત્તિ ઉર્ફે અર્જુન રામ ગુંડાળેનો સમાવેશ છે.’

mumbai news mumbai alibaug mumbai pune expressway pune