5 દિવસ 25421 માસ્ક અપરાધી

17 October, 2020 09:04 AM IST  |  Mumbai | Prajakta Kasale

5 દિવસ 25421 માસ્ક અપરાધી

પાલિકાના કર્મચારીઓ માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી કરી રહેલા હોવાનું જોઈને માસ્કથી ચહેરો કવર કરી રહેલા લોકો. તસવીર ​: આશિષ રાજે

મુંબઈ મહાનગરપાલિકાએ રોજના ૨૦,૦૦૦ કેસ પકડવાનો લક્ષ્યાંક નક્કી કરીને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પકડવાનું અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ વાસ્તવમાં પાંચ દિવસમાં માસ્ક વિના ફરતા ૨૫,૪૨૧ લોકોને પકડીને ૪૩ લાખ રૂપિયા દંડરૂપે વસૂલ કર્યા હતા. રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં મુંબઈ મહાનગરપાલિકાએ માસ્ક પહેર્યા વિના લોકોને ઘણી છૂટ આપી હતી. નિયમ હોવા છતાં કાર્યવાહી હાથ ધરવામાં આવતી નહોતી. ૨૯ જૂને પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે માસ્ક વગરના લોકો સામે કડક પગલાં લેવા અને દંડ વસૂલવાની સૂચના બહાર પાડી હોવા છતાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં રોજ સરેરાશ ૧૨ જણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી.
સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની ભલામણને પગલે કમિશનરે દંડની રકમ ૧૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૨૦૦ રૂપિયા કરી હતી. ત્યાર પછી મુંબઈ મહાનગરપાલિકાની ટીમે રોજના ૯૫૦ લોકોની સરેરાશ સાથે એક મહિનામાં લગભગ ૨૬,૦૦૦ લોકો પાસે દંડ વસૂલ્યો હત, પરંતુ પાલિકાના કમિશનરે ૧૧ ઑક્ટોબરે રોજ માસ્ક વગરના ૨૦,૦૦૦ લોકોને પકડવાનો લક્ષ્યાંક કર્મચારીઓને આપ્યો હતો. ત્યાર પછી મહાનગરપાલિકાની સ્પેશ્યલ ટીમો બનાવીને અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એ અભિયાનમાં ૨૫,૪૨૧ જણ પાસેથી દંડરૂપે ૪૩,૬૮,૧૦૦ વસૂલ્યા હતા. અહીં નોંધપાત્ર બાબત એવી છે કે એપ્રિલ મહિનાથી ઑક્ટોબર મહિના સુધીમાં ૫૭,૨૦૫ લોકો પાસેથી દંડરૂપે ૧,૪૨,૧૨,૮૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

prajakta kasale mumbai mumbai news coronavirus covid19