શરૂ કરો કચ્છ એક્સપ્રેસ... દિવસ 1 ડિમાન્ડ 4500

08 September, 2020 07:13 AM IST  |  Mumbai | Mumbai correspondent

શરૂ કરો કચ્છ એક્સપ્રેસ... દિવસ 1 ડિમાન્ડ 4500

કચ્છ એક્સપ્રેસ

કોરોનાને લીધે મુંબઈમાં મુશ્કેલ સ્થિતિ ઊભી થયા બાદ હવે બધું અનલૉક કરાયું છે અને મુંબઈ ધીમે-ધીમે સામાન્ય બની રહ્યું છે ત્યારે વતન ગયેલા કચ્છીઓ ટ્રેન બંધ હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલાસર ટ્રેનો ચાલુ કરવા માટેનું તેમણે ‘કચ્છ ટ્રેન જાગૃતિ અભિયાન’ શરૂ કર્યું છે, જેમાં વધુ ને વધુ કચ્છીઓને જોડાવાની અપીલ કરાઈ છે. અભિયાનની રવિવારે રાત્રે શરૂઆત કરાયા બાદ ગઈ કાલે સાંજ સુધીમાં ૪૫૦૦ કરતાં વધારે ફૉર્મ ભરાઈ ગયાં હોવાથી આ અભિયાનને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

કચ્છના વતનીઓનો ગુજરાતથી લઈને મુંબઈ સુધી આરામદાયક પ્રવાસ ટ્રેનનો છે. લૉકડાઉન લાગુ કરાયા બાદથી મુંબઈ-કચ્છની તમામ ટ્રેનો બંધ છે. રેલવેએ પહેલાં અને બે દિવસ પહેલાં સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી, પરંતુ એમાં એક પણ ટ્રેન કચ્છ માટે ન હોવાથી કચ્છના વતનીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

પોતાની માગણી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય સુધી પહોંચે અને તેઓ કેન્દ્ર સરકારને કચ્છ માટેની ટ્રેન ચલાવવાની અપીલ કરે એ માટે કચ્છના કેટલાક વતનીઓએ ગઈ કાલે કચ્છ ટ્રેન જાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી. વધુ ને વધુ આ અભિયાનમાં જોડાઈ શકે એ માટે ઑનલાઇન ગૂગલ ફૉર્મ બનાવાયું છે (https://forms.gle/LT8WAADtp18ZDnmZA), જે ભરીને કચ્છની કોઈ પણ જાતિ-ધર્મની વ્યક્તિ સામેલ થઈ શકશે.

કચ્છના તમામ વતનીઓને અપીલ કરાઈ છે કે જો બધા એમાં જોડાશે તો ટ્રેન બાબતે કચ્છને અન્યાય નહીં થાય.

mumbai mumbai news kutch bhuj western railway indian railways