એલબીએસ રોડનાં ૪૫૦ સ્ટ્રક્ચર્સને નોટિસ

29 August, 2012 08:19 AM IST  | 

એલબીએસ રોડનાં ૪૫૦ સ્ટ્રક્ચર્સને નોટિસ

ઘાટકોપરના એલબીએસ માર્ગને પહોળો કરવાના પ્રથમ ચરણરૂપે સુધરાઈએ આ માર્ગના નૂતનીકરણના કામમાં નડતરરૂપ ૪૫૦ સ્ટ્રક્ચર્સને એક મહિનામાં ખાલી કરવાની નોટિસ આપી દીધી છે. કામાણીથી લઈને શ્રેયસ સિનેમા સુધીમાં ૫૬૬ સ્ટ્રક્ચર્સ હટાવવાનાં છે. જોકે રસ્તાના નૂતનીકરણનું કામ શરૂ થતાં હજી છ મહિના થશે.

છેલ્લા એક દસકામાં એલબીએસ માર્ગ પર ટ્રાફિક વધ્યો છે જેની સામે ૬૦થી ૮૦ ફૂટના આ માર્ગને ૧૨૦ ફૂટનો બનાવવો જરૂરી છે. ઘાટકોપર (ઈસ્ટ)ના બીજેપીના વિધાનસભ્ય પ્રકાશ મહેતા અને વેસ્ટના એમએનએસના વિધાનસભ્ય રામ કદમ આ માટેના પ્રયાસો પોતપોતાની રીતે કરી રહ્યા હતા, જેમાં રામ કદમે પહેલા જ દિવસથી સુધરાઈ અને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ આક્રમક રીતે રજૂઆત કરી હતી.

મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર અસીમ ગુપ્તાએ ૧૩ ઑગસ્ટે ઘાટકોપરના એલબીએસ માર્ગને પહોળો કરવા માટે કરેલી વિઝિટ સમયે મિડ-ડે LOCAL પાસે સ્પષ્ટ કર્યું હતું કે ‘પહેલાં અમારી સ્ટ્રકચર્સ સામે સ્ટ્રક્ચર્સ ક્યાં અને કેવી રીતે આપવાં એની સમસ્યા હતી એનું નિરાકરણ મહાનગરપાલિકાએ મહારાષ્ટ્ર સરકાર સાથે રહીને હળવું કરી દીધું છે. એ મુજબ જે સ્ટ્રક્ચર્સ-ઓનર્સે તેમની જગ્યાની સામે મહાનગરપાલિકાએ ઑફર કરેલી જગ્યામાં સ્થળાંતર ન કરવું હોય તેમને મહાનગરપાલિકાએ તૈયાર કરેલા ભાવ મુજબ જગ્યાની કિંમત સુધરાઈ પાસેથી લઈને તેમની જગ્યાને ખાલી કરી આપવાની રહેશે.’

વિધાનસભ્ય રામ કદમે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વખતની મારી ચક્કા જૅમની ધમકીની ધારી અસર થઈ છે. ઘાટકોપરનો વિસ્તાર જે મહાનગરપાલિકાના વૉર્ડ હેઠળ આવે છે એ ફ્ વૉર્ડ તરફથી રમઝાન ઈદનો તહેવાર પૂરો થતાં જ એલબીએસ માર્ગ પહોળો કરવાના પ્રોજેક્ટમાં અડચણરૂપ ૪૫૦ સ્ટ્રક્ચર્સ-ઓનર્સને એક મહિનામાં જગ્યા ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી છે. અત્યારે એલબીએસ માર્ગની પહોળાઈનો ૨૫ ટકા ભાગ જ આપણને દેખાય છે. સ્ટ્રક્ચર્સ હટતાં બાકીનો ૭૫ ટકા ભાગ આપણે જોઈ શકીશું.’

કામમાં અડચણ ન આવે એની લીધી કાળજી

સાયનથી મુલુંડ સુધીનો એલબીએસ માર્ગ પહોળો કરવાના કામમાં હવે વધુ અડચણ આવે નહીં અને આઠ વર્ષથી અટકી રહેલું કામ કોઈ પર જાતની સમસ્યા વગર પાર પડે એ માટે મહાનગરપાલિકાએ આ માર્ગ પરથી હટાવવામાં આવનારાં ૨૦૦૦ બાંધકામોના માલિકો સામે બૉમ્બે હાઈ કોર્ટમાં ૧૨૫૦ કૅવિએટ દાખલ કરી છે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે એલબીએસ માર્ગ પહોળો કરવાના પ્રોજેક્ટમાં હવે બાંધકામના માલિકો કોર્ટમાંથી આ પ્રોજેક્ટ સામે સ્ટે-ઑર્ડર લાવે નહીં એ માટે મુંબઈ સુધરાઈ જાગૃતિથી કામ કરી રહી છે.