મહારાષ્ટ્રના 44 ટોલબૂથ બંધ કરવાનું એલાન

10 June, 2014 04:47 AM IST  | 

મહારાષ્ટ્રના 44 ટોલબૂથ બંધ કરવાનું એલાન




રવિકિરણ દેશમુખ

રાજ્યમાં ૪૪ ટોલનાકાં બંધ કરવાની જાહેરાત ગઈ કાલે રાજ્ય સરકારે કરી હતી. ખાસ તો લોકસભાની ચૂંટણીમાં કારમી હાર, પબ્લિક પ્રેશર અને રાજ્યમાં સત્તાધીશ કૉન્ગ્રેસ-NCPની યુતિમાં મતભેદો વચ્ચે વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે ગઈ કાલે આ વર્ષના રાજ્યના ઍડિશનલ બજેટની ચર્ચાના જવાબમાં વિધાનસભામાં આ સંબંધી જાહેરાત કરી એ પહેલાં સત્તાધારી યુતિની બન્ને પાર્ટીના ટોચના નેતાઓએ અલગ-અલગ મીટિંગ કરી હતી એ દર્શાવે છે કે કૉન્ગ્રેસ-NCPની યુતિમાં મતભેદ છે.

અજિત પવારે શનિવારે PWD મિનિસ્ટર છગન ભુજબળ અને MSRDC મિનિસ્ટર જયદત્ત ક્ષીરસાગર તેમ જ ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરીમાં ૪૪ ટોલનાકાં બંધ થશે તો કૉન્ટ્રૅક્ટરોને ૩૦૬ કરોડ રૂપિયાનું વળતર કઈ રીતે ચૂકવવું એની વિગતે ચર્ચા કરી હતી. રવિવારે ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે સંબંધિત ડિપાર્ટમેન્ટોના ટોચના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, પરંતુ એમાં NCPના ક્વોટાના આ મિનિસ્ટરો કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ હાજર નહોતા.

બન્ને પાર્ટીએ વેગવેગળી મીટિંગો કર્યા બાદ પણ ૪૪ ટોલનાકાં બંધ કરવાની જાહેરાત કોણ, ક્યારે અને ક્યાં કરશે એની માહિતી એની સાથે સંકળાયેલા ડિપાર્ટમેન્ટ્સના કોઈ અધિકારીઓને પણ નહોતી. જોકે સોમવારે અચાનક અજિત પવારે ગૃહમાં આ જાહેરાત કરીને અધિકારીઓને ચોંકાવી દીધા હતા.

અજિત પવારે કહ્યું હતું કે બંધ થનારાં ૩૪ ટોલ-પૉઇન્ટ PWD અંતર્ગતનાં, બે MSRDC અંતર્ગતનાં તેમ જ બાકીનાં ચાર ટોલનાકાં નાગપુર-ઘોટી-સિન્નર હાઇવે પર આવેલાં છે. આ સાથે જ તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે આ બે ડિપાર્ટમેન્ટ અંતર્ગતનાં રાજ્યનાં તમામ ટોલનાકાંઓ પર ST બસોનો ટોલ ઉઘરાવવાનું પણ બંધ થશે. આમ હવે રાજ્યમાં માત્ર કેન્દ્ર સરકારના તાબા હેઠળના નૅશનલ હાઇવે પર જ લ્વ્ની બસોએ ટોલ ભરવાનો રહેશે.

ટોલનાકાં કેટલાં અને કોનાં?      

રાજ્યમાં કુલ ૧૬૬ ટોલ-બૂથ છે જેમાંથી ૭૩ PWDનાં, ૫૩ MSRDCનાં તેમ જ ૪૦ નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાનાં છે.

હવે શિવસેના-BJPનો વારો?

રાજ્ય સરકારે ઑક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ૪૪ ટોલનાકાં બંધ કરવાનો દાવ ખેલ્યો એના પગલે હવે કેન્દ્રમાં સત્તારૂઢ BJP અને એની સાથીદાર પાર્ટી શિવસેનાના વિધાનસભ્યો પણ કેન્દ્ર સરકારને નૅશનલ હાઇવેનાં ટોલનાકાં બંધ કરવાનું કહેશે એવી શક્યતા છે. જોકે રાજ્ય સરકારે જે ટોલનાકાં બંધ કરવાનું નક્કી કર્યું છે એ નાનાં ટોલનાકાં છે, એ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં છે. મુંબઈ અને થાણેના લોકોને રોજનો પનારો છે એ ટોલનાકાંઓ નૅશનલ હાઇવે ઑથોરિટી અને MSRDCના તાબાનાં છે એથી મુંબઈગરાઓને કે થાણેકરોને સરકારના આ નિર્ણયથી કોઈ રાહત નથી મળવાની.