અંધેરી આરટીઓ દ્વારા ટૅરિફ કાર્ડ વગરના ૪૩ ડ્રાઇવરોની ધરપકડ

26 October, 2012 08:13 AM IST  | 

અંધેરી આરટીઓ દ્વારા ટૅરિફ કાર્ડ વગરના ૪૩ ડ્રાઇવરોની ધરપકડ



ટૅક્સી-રિક્ષામાં વધી રહેલા ભાવવધારાને પગલે પ્રવાસીઓ હેરાન થઈ ગયા છે અને એમાંય છુટ્ટા પૈસાની રોજ-રોજની મગજમારી અને વધુ ભાડાં લેવા બાબતે ડ્રાઇવરો સાથે થતા ઝઘડા પ્રવાસીઓની હેરાનગતિમાં વધારો કરે છે. તેથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ઓરિજિનલ ટૅરિફ કાર્ડ ન રાખનારા ડ્રાઇવરો પાસેથી ૧૦૦ રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કર્યું છે.

ટ્રાન્સપોર્ટ કમિશનર વી. એન. મોરેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એક જ દિવસમાં શહેરની ત્રણ જગ્યાએથી આરટીઓ દ્વારા ઓરિજિનલ ટૅરિફ કાર્ડ ન રાખતા ૧૦૦ કરતાં વધુ વાહનોના ડ્રાઇવરોની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી તારદેવનાં પાંચ વાહનો, વડાલામાંથી ૫૬ વાહનો અને અંધેરીમાંથી ૪૩ વાહનોના ડ્રાઇવરોની ધરપકડ કરવામાં આવી હતી. ઓરિજિનલ ટૅરિફ કાર્ડ ન રાખવા બદલ રિક્ષા-ડ્રાઇવરો પાસેથી ૧૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ડ્રાઇવરો ટૅરિફ કાર્ડની ફોટોકૉપી રાખે છે અને એ ફોટોકૉપીથી પ્રવાસીઓને મીટરમાં છેતરવામાં તેમને સરળતા પડે છે.’

તેમણે ઉમેર્યું હતું કે ‘ભાડામાં વધ-ઘટ થતી હોવાને કારણે રિક્ષા-ડ્રાઇવરોને સમજવામાં સમય લાગશે એવું સમજી અમે પહેલા થોડાક દિવસ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. આ વાતને સમય થઈ ગયો હોવા છતાં પણ ડ્રાઇવરો હજી સુધી ભાડાનાં ઓરિજિનલ કાર્ડ પોતાની સાથે રાખતા નથી અને તેથી અમે આંકડા કરતાં પણ વધુ કાર્ડ વહેંચીશું. અંધેરી આરટીઓમાં ૫૭,૦૦૦ રિક્ષાઓ રજિસ્ટર્ડ થયેલી છે અને ૭૮,૦૦૦ ટૅરિફ કાર્ડ વહેંચવામાં આવ્યાં છે. ’

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ