નેપાલ-ચીન બૉર્ડર પર ભારે પૂર વચ્ચે કૈલાસ-માનસરોવર ગયેલા ૪૩ કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત

27 August, 2026 07:10 AM IST  |  Mumbai | Rohit Parikh

નેપાલ-ચીન બૉર્ડર પર ભારે પૂર વચ્ચે કૈલાસ-માનસરોવર ગયેલા ૪૩ કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત, મુંબઈનાં રૂપલ છેડાએ કહી આપવીતી

જળપ્રલયના થોડા કલાક પહેલાં કચ્છી યાત્રાળુઓના આ ગ્રુપે તિબેટ-નેપાલ બૉર્ડર ક્રૉસ કરી હતી.

નેપાલના રસુવા જિલ્લામાં ચીનની સરહદ નજીક બુધવારે વહેલી સવારે આવેલા અચાનક અને વિનાશક પૂરે તિમુરે તથા સ્યાબ્રુબેસી વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં અનેક વસાહતો, બજારો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ કુદરતી આફત વચ્ચે મુંબઈ, અમદાવાદ અને ભુજના ૪૩ કચ્છી ટૂરિસ્ટોએ નસીબજોગે આફતના ૮ કલાક પહેલાં જ ફ્રેન્ડશિપ બ્રિજ પાર કરી દીધો હોવાથી તેઓ અત્યારે સુરક્ષિત રીતે સાગા પહોંચી ગયા છે. આ ટૂરિસ્ટો કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયા હતા. 

આ બાબતની માહિતી આપતાં મુંબઈનાં સિનિયર સિટિઝન રૂપલ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂર આવ્યું એ પહેલાં મંગળવારે સાંજે અમે નેપાલ-ચીન વચ્ચેનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કરી દીધો હતો. એના આશરે ૮ કલાક બાદ તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ પૂરના પ્રવાહમાં ફ્રેન્ડશિપ બ્રિજ પણ તણાઈ ગયો હોવાના અમને સમાચાર મળ્યા ત્યારે અમે ભગવાનનો પાડ માન્યો હતો. પહેલાં તો સમાચાર મળતાં જ અમારા શરીરમાં કંપારી છૂટી ગઈ હતી. આ ઘટનાના સમાચાર મુંબઈ અને અન્ય ભાગોમાં પહોંચતાં જ અમારા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે અમારા ટૂર-ઑપરેટર શૈલેશ મહેશ્વરીએ તેમને અમે સુરક્ષિત રીતે નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા છીએ એવા સમાચાર આપ્યા ત્યારે  પરિવારજનોને માનસિક શાંતિ મળી હતી.’

mumbai news mumbai nepal china kutchi community gujaratis of mumbai gujarati community news Weather Update tibet