16 May, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈડીની પ્રતીકાત્મક તસવીર
વસઈ-વિરારમાં ૪૧ ગેરકાયદે ઇમારતોના બહુચર્ચિત કેસમાં ગઈ કાલે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ એકસાથે ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલે આચોલે પોલીસ-સ્ટેશનમાં ભૂતપૂર્વ કૉર્પોરેટર સીતારામ ગુપ્તા અને તેમના ભાઈ અરુણ ગુપ્તા સહિત અન્ય લોકો સામે મની-લૉન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. એમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૦૦૬માં ગુપ્તા બંધુઓએ બીજા આરોપીની સાઠગાંઠથી સર્વે-નંબર બાવીસથી ૩૦માં સરકારી અને ખાનગી જમીન પર અતિક્રમણ કર્યું હતું. આ જમીનના કેટલાક પ્લૉટ ડમ્પિંગ ગ્રાઉન્ડ અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માટે અનામત રાખવામાં આવ્યા હતા. ૨૦૧૦થી ૨૦૧૨ની વચ્ચે આ પ્લૉટ પર ચાર માળની ૪૧ ઇમારતો બનાવવામાં આવી હતી. ત્યાર બાદ સાઠગાંઠ કરીને આ ફ્લૅટ તેમણે લોકોને વેચી દીધા હતા એવો આરોપ છે.
આ મામલે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ પર ઇરાદાપૂર્વકની બેદરકારીનો આરોપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કૌભાંડ જાણીજોઈને અવગણ્યું હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, ફ્લૅટનું વેચાણ પૂરું થયા પછી જ કૉર્પોરેશનને ખ્યાલ આવ્યો કે આ જમીન સરકારી માલિકીની છે. આ ઇમારતો પર કાર્યવાહી કરવામાં આવતાં આશરે ૨૫૦૦ લોકો બેઘર થઈ ગયા હતા અને તેમની જીવનભરની બચત બરબાદ થઈ ગઈ હોવાનું કહેવાય છે. ED હાલમાં નાણાકીય અનિયમિતતાઓ અને મની લૉન્ડરિંગની શક્યતાની તપાસ કરવા માટે કેસની તપાસ કરી રહી છે. સીતારામ ગુપ્તાની સંપત્તિ, બૅન્ક-ખાતાં અને વિવિધ સ્થળોએ થયેલા વ્યવહારો સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ કિસ્સાએ ફરી એક વાર વસઈ-વિરારમાં વહીવટી બેદરકારી અને રાજકીય આશ્રય અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.
વાસ્તવિક મુદ્દો શું છે?
નાલાસોપારા-પૂર્વમાં અગ્રવાલ નગરીનાં ૪૧ ગેરકાયદે બિલ્ડિંગો બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ તોડી પાડવામાં આવ્યાં હતાં. એને કારણે ૨૫૦૦ લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા હતા. આ ૪૧ ઇમારતો ૩૫ એકરના ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ગેરકાયદે રીતે બનાવવામાં આવી હતી. મુંબઈ હાઈ કોર્ટના આદેશ બાદ ગયા વર્ષે ૨૩ જાન્યુઆરીથી ડિમોલિશન ઝુંબેશ શરૂ થઈ હતી. આ જગ્યાએ પરિવારોએ સખત મહેનત કરી ઘર ખરીદ્યાં હતાં.