પોલીસ બનીને છેતરતા ટીવી-ઍક્ટરની ધરપકડ

16 December, 2020 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ બનીને છેતરતા ટીવી-ઍક્ટરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં પોલીસ અધિકારીનો સ્વાંગ રચીને લોકોને છેતરનાર ૪૦ વર્ષના ટીવી-ઍક્ટરની ધરપકડ કરી છે.

આરોપી અપરાધ કરવા માટે દેહરાદૂન, ચંડીગઢ અને ઉત્તર ભારતનાં અન્ય શહેરોનો હવાઈ માર્ગે પ્રવાસ ખેડતો હતો. ત્યાર બાદ તે મુંબઈ પાછો ફરતો હતો.

આરોપીએ ‘ચિત્તોડગઢ કી રાજકુમારી પદ્‍મિની’, ‘છત્રપતિ રાજા શિવાજી’, ‘સાવધાન ઇન્ડિયા’ જેવી ટીવી-સિરિયલો અને ‘ગુલ મકાઈ’ અને ‘બહેન ચોર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ‘મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૮ને એક વૃદ્ધાને છેતરવામાં અને તેના પાંચ લાખ રૂપિયાનાં સોનાનાં આભૂષણ ચોરવામાં આરોપીની સંડોવણી વિશે દેહરાદૂન પોલીસ પાસેથી ચોક્કસ માહિતી મળી હતી. આ મામલે દેહરાદૂનના પટેલનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દેહરાદૂન પોલીસે ટેક્નિકલ સહાયથી મુંબઈના ઓશિવરામાં આરોપીને ટ્રૅક કર્યો હતો. દેહરાદૂન પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સોમવારે સાંજે આરોપીને ઓશિવરાસ્થિત તેના ઘરેથી ઝડપી લીધો હતો. શરૂઆતમાં ગલ્લાંતલ્લાં કર્યા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લેતાં તેની ધરપકડ કરી હતી. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દેહરાદૂન પોલીસને સોંપવામાં આવ્યો છે.

mumbai mumbai news Crime News crime branch mumbai crime branch