06 October, 2025 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે એમ.સી.એ. ક્લબમાં એક પારિવારિક પ્રસંગમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે જોવા મળ્યા હતા.
રાજ ઠાકરે ગઈ કાલે માતોશ્રીની મુલાકાતે ગયા હતા. ત્યાર બાદ તેમની અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ૪૦ મિનિટ બંધબારણે બેઠક થઈ હતી. ત્રણ મહિનામાં રાજ ઠાકરેની માતોશ્રીની આ બીજી મુલાકાત હતી. ગઈ કાલે એમ. સી. એ. ક્લબમાં સંજય રાઉતના પૌત્રની નામકરણ વિધિનો પ્રસંગ યોજાયો હતો. આ પારિવારિક પ્રસંગમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બન્ને સજોડે સાથે દેખાયા હતા.
આ પ્રસંગ પૂરો થયા પછી રાજ ઠાકરે પહેલાં નીકળ્યા હતા અને નજીકમાં જ આવેલા માતોશ્રી પર પત્ની શર્મિલા સાથે પહોંચી ગયા હતા. તેમની પાછળ ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરે પણ પહોચ્યાં હતાં. એ પછી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ ૪૦ મિનિટ સુધી બંધબારણે ચર્ચા કરી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એમાં સાથે મળીને લડવાની રણનીતિ બાબતે ઠાકરેબંધુઓ વચ્ચે ચર્ચા થઈ હોવાની અટકળો ચાલી રહી છે.
BMCએ ૬ મહિનામાં ૩૧૦૦ કરોડ રૂપિયા પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ્યો
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૬ મહિનામાં ૩૧૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ પ્રૉપર્ટી ટૅક્સ તરીકે વસૂલી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ના પહેલા ૬ મહિનામાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં વસૂલાયેલી આ ટૅક્સની રકમ આખા વર્ષમાં સરેરાશ વસૂલવામાં આવતી રકમના ૪૦ ટકા જેટલી છે. આ રકમમાં લાંબા સમયથી ટૅક્સ ન ભરનારા ડિફૉલ્ટરો પાસેથી વસૂલવામાં આવેલી રકમનો પણ સમાવેશ છે. ૫૦૦ ચોરસ ફુટ સુધીની રેસિડેન્શિયલ પ્રૉપર્ટી પર ટૅક્સ-માફીના નિયમને લીધે BMCની ટૅક્સની આવકમાં ઘટાડો થયો છે. આ વર્ષે BMCને વાર્ષિક ૭૭૦૦ કરોડ પ્રૉપર્ટી ટૅક્સ મળવાની ગણતરી છે.