લૅન્ડિંગ સમયે સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ચાર મહિનાની બાળકીનું મોત

17 November, 2019 11:14 AM IST  |  Mumbai

લૅન્ડિંગ સમયે સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ચાર મહિનાની બાળકીનું મોત

પ્રતિકાત્મક તસવીર

મુંબઇ છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ અૅરપોર્ટ પર સ્પાઇસ જેટ અૅરલાઇન્સની સુરત-મુંબઈની ફ્લાઇટ લૅન્ડ થઈ રહી હતી તે સમયે ફ્લાઇટમાં ચાર મહિનાની રિયા નવીન જિંદાલ નામની બાળકીનું મોત થયું હતું. સ્પાઇસ જેટના અધિકારીએ કહ્યું હતું કે સવારના ૭.૫૦ કલાકે સુરત અૅરપોર્ટથી મુંબઈની ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. જેમાં એક ચાર મહિનાની બાળકી અને તેની માતા તેમ જ તેના દાદા અને દાદી બેઠાં હતાં. આ ફ્લાઇટ મુંબઈ છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ અૅરપોર્ટ સવારના ૮.૫૦ કલાકે લૅન્ડ થઈ રહી હતી. આ દરમ્યાન બાળકી એકાએક બેભાન થઈ ગઈ હતી. જેને કારણે તેની માતાએ તુરંત જ ક્રૂ મેમ્બરને જાણ કરી હતી. સ્પાઇસ જેટની સુરત-મુંબઈ ફ્લાઇટમાં ચાર મહિનાની બાળકીનું મોત નીપજ્યું હતું. પોસ્ટમાર્ટમમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી અને શરીરની પેશીઓના નમૂનાઓ સર જે. જે. હૉસ્પિટલમાં મોકલાયા છે. અૅરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ મુંબઈમાં ઊતર્યા બાદ રિયા અને તેની માતાને અૅરપોર્ટના મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. શિશુએ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (સીપીઆર)નો જવાબ આપ્યો ન હતો, ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.
સ્પાઈસ જેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘ઉતર્યા પછી એક મુસાફરે ક્રૂને જાણ કરી કે તેની પુત્રી બેભાન છે. એટીસીને તબીબી સહાય માટે વિનંતી કરવામાં આવી હતી. શિશુને તેની માતા અને દાદા-દાદી સાથે તાત્કાલિક ફ્લાઈટમાંથી ઉતારવામાં આવી હતી અને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.’ સૂત્રોએ જણાવ્યું કે શિશુને પોસ્ટમૉર્ટમ માટે ડૉ. આર. એન. કૂપર મ્યુનિસિપલ જનરલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી.

mumbai spicejet