અમરાવતીમાં હોડી નદીમાં ઊંધી વળી જતાં ૪ તણાયા, ૭ લાપતા

15 September, 2021 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લોકો સોમવારે એક સંબંધીની મરણોપરાંત વિધિ માટે વરુડ તાલુકાના ઝુંજ ખાતે આવ્યા હતા. મંગળવારે સવારે તેઓ સૌ મંદિરે જવા માટે હોડી પર સવાર થયા હતા, પણ હોડી નદીની વચ્ચોવચ ઊંધી થઈ ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાની વર્ધા નદીમાં મંગળવારે એક હોડી ઊથલી પડતાં ચાર વ્યક્તિ તણાઈ ગઈ હતી, જ્યારે સાત વ્યક્તિ લાપતા થઈ હતી. બોટમાં સવાર બે માણસો તરીને સલામત સ્થળે પહોંચી ગયા હતા.
ગડેગાંવ ગામના કેટલાક પરિવારોના ૧૨ સભ્યો બોટમૅન સાથે નજીકના ધોધની મુલાકાત લઈને મંદિરે જઈ રહ્યા હતા ત્યારે સવારે ૧૦.૩૦ની આસપાસ આ દુર્ઘટના બની હતી એમ વરુડ તાલુકાના બેનોડા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક દૃષ્ટિએ નૌકા પ્રવાસીઓનું વજન વહન કરવા માટે સક્ષમ ન હોવાનું જણાય છે. આ લોકો સોમવારે એક સંબંધીની મરણોપરાંત વિધિ માટે વરુડ તાલુકાના ઝુંજ ખાતે આવ્યા હતા. મંગળવારે સવારે તેઓ સૌ મંદિરે જવા માટે હોડી પર સવાર થયા હતા, પણ હોડી નદીની વચ્ચોવચ ઊંધી થઈ ગઈ હતી.
પોલીસ અને જિલ્લા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીની ટીમે અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢ્યા હતા. એમાંથી ત્રણની ઓળખ બોટમૅન નારાયણ માતરે (૪૫ વર્ષ), વંશિકા શિવંકર (૨ વર્ષ) અને કિરણ ખાંડલે (૨૫ વર્ષ) તરીકે થઈ હતી. લાપતા સાત વ્યક્તિને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

Mumbai mumbai news