કલ્યાણ અને થાણેમાં રિક્ષા પર પડેલા વૃક્ષે કુલ ૪ જણના જીવ લીધા

08 May, 2025 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) તેમ જ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરશે એવી માહિતી અધિકારીઓએ આપી હતી.

ગઈ કાલે થાણેમાં રિક્ષા પર વૃક્ષ પડ્યા બાદ એનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને (જમણે) રિક્ષામાં અટવાયેલો પ્રવાસી.

મંગળવારે રાતે આવેલા કમોસમી વરસાદમાં ભારે પવન વચ્ચે કલ્યાણ-વેસ્ટના કોલસેવાડી વિસ્તારમાંથી પસાર થતી એક રિક્ષા પર ગુલમહોરનું વૃક્ષ પડતાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એવી જ રીતે ગઈ કાલે સાંજે થાણે-વેસ્ટના ખોપટ વિસ્તારમાં ભારે પવન વચ્ચે એક રિક્ષા પર વૃક્ષ પડતાં એક પૅસેન્જરનું મૃત્યુ થયું હતું, જ્યારે ડ્રાઇવરને ગંભીર ઈજા થવાથી તાત્કાલિક તેને ઇલાજ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પ્રી-મૉન્સૂન ઘટનાઓ સામે આવ્યા બાદ આવી ઘટનાઓ ઓછી કરવા કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) તેમ જ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરશે એવી માહિતી અધિકારીઓએ આપી હતી.

કલ્યાણની ઘટના

કલ્યાણના કોલસેવાડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના મંગળવારે સાડાનવ વાગ્યાની આસપાસ બની હતી. રિક્ષાચાલક ૪૫ વર્ષનો ઉમાશંકર વર્મા ૫૦ વર્ષના તુકારામ ખેંગળે અને ૪૭ વર્ષની લતા રાઉતને લઈને ચિંચપાડા વિસ્તારમાં જઈ રહ્યો હતો એ સમયે કોલસેવાડી વિસ્તારમાં ભારે પવનને કારણે એક વૃક્ષ ઉમાશંકરની રિક્ષા પર પડ્યું હતું. તાત્કાલિક ભેગા થયેલા લોકોએ રિક્ષામાં અટવાયેલા ત્રણ લોકોને બહાર કાઢવાની કોશિશ કરી હતી. જોકે વૃક્ષનું ખૂબ જ વજન હોવાથી આ ઘટનાની જાણ ફાયર-બ્રિગ્રેડને કરવામાં આવી હતી. ફાયર-બ્રિગ્રેડની મદદથી વૃક્ષને દૂર કરીને ત્રણેને ઇલાજ માટે રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં. જોકે ત્યાં હાજર ડૉક્ટરે ત્રણેને મૃત જાહેર કર્યાં હતાં. રિક્ષાચાલક માતોશ્રીનગરમાં રહેતો હતો, જ્યારે મુસાફરો ચિંચપાડા વિસ્તારના રહેવાસી હતા. આ મામલે અમે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.’

થાણેની ઘટના

TMCના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના સિનિયર અધિકારી યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે ભારે પવન વચ્ચે સાડાચાર વાગ્યાની આસપાસ થાણે-વેસ્ટના ખોપટ વિસ્તારમાં આવેલા રુણવાલનગરમાં એક રિક્ષા પર મોટું ઝાડ પડ્યું હતું. એમાં પ્રવાસી અને રિક્ષા-ડ્રાઇવર અટવાઈ ગયા હોવાની માહિતી મળતાં તાત્કાલિક પોલીસ અને ફાયર-બ્રિગેડને આ ઘટનાની જાણ કરીને રિક્ષામાં અટવાયેલા બન્નેને બહાર કાઢીને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમાં ૨૭ વર્ષના પ્રવાસી તૌફીક સૌદાગરનું મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત રિક્ષાચાલક શફીક શબ્બીરને ગંભીર ઈજાઓ થઈ હોવાની માહિતી મળી છે.’

વરસાદે તો ભારે કરી

(૧) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામે ભરાયેલા પાણીમાં જોઈ લો એનું પ્રતિબિંબ.  તસવીર : શાદાબ ખાન

(૨) ગઈ કાલે અંધેરીમાં ઍરપોર્ટ પાસેના વિસ્તારમાં ભરાયેલાં પાણી. તસવીર : આશિષ રાજે

(૩) ગઈ કાલે કિંગ્સ સર્કલ પર ટૂ-વ્હીલર પર ટ્રિપલ સીટ જઈ રહેલા યુવાનો લપસી પડ્યા હતા.  તસવીર : સૈયદ સમીર અબેદી

kalyan kalyan dombivali municipal corporation thane thane municipal corporation news Weather Update mumbai weather mumbai mumbai news monsoon news